Connect Gujarat
ગુજરાત

મંત્રીપદ મેળવવા સી.આર.પાટિલના નિવાસ સ્થાન બહાર ધારાસભ્યોની અવરજવર વધી, વાંચો કોણ કોણ પહોંચ્યા

મંત્રીપદ મેળવવા સી.આર.પાટિલના નિવાસ સ્થાન બહાર ધારાસભ્યોની અવરજવર વધી, વાંચો કોણ કોણ પહોંચ્યા
X

આજે વહેલી સવારથી જ મુખ્યમંત્રીના બંગલાની નજીકમાં આવેલા ભાજપ-પ્રમુખ સી.આર.પાટીલના બંગલે ધારાસભ્યોની અવરજવર વધી ગઈ છે. ખાસ કરીને કેટલાક ચોક્કસ ધારાસભ્યોને ફોન કરીને પાટીલના બંગલે મળવા બોલાવ્યા હોવાની પણ ચર્ચા છે. પાટીલના બંગલે જામેલા મેળાવડામાં રૂપાણી સરકારના એકપણ મંત્રીની હાજરી જોવા મળતી નથી. એને બદલે નવા ધારાસભ્યો પાટીલને મળીને હસતા મોઢે બહાર નીકળતા હોવાનું જોવા મળ્યું છે.

ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાવાની છે ત્યારે નવા મંત્રીઓનાં નામોનું આખરીકરણ પાટીલના બંગલે થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. વહેલી સવારથી પાટીલના બંગલે થઈ રહેલી ચહલપહલમાં અત્યારસુધી હર્ષ સંઘવી, મનીષા વકીલ, મનીષા સુથાર, સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્યો ગોવિંદ પટેલ પહોંચ્યાં હતાં. ગોવિંદ પટેલ પાટીલને મળીને થોડીક જ ક્ષણોમાં બહાર નીકળી ગયા હતા, જ્યારે ભાજપના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી સહિતના ધારાસભ્યો હજી પાટીલના બંગલામાંથી બહાર આવ્યા નથી. જેથી મંત્રીપદ કોને મળશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

પોતાનો સમાવેશ મંત્રીમંડળમાં થાય એવી રજૂઆત માટે હિંમતનગર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, નવસારી ધારાસભ્ય પીયૂષ દેસાઈ, વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણા અને મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયા ગઈકાલે સવારમાં જ પાટીલના ગાંધીનગરના ઘરે પહોંચી ગયા હતા. આ દરમિયાન પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ પાટીલના ઘરે પહોંચ્યા હતા અને અહીં તેમણે એક કલાકથી વધુ સમય બંધબારણે બેઠક કરી હતી. પાર્ટી તરફથી તમામ ધારાસભ્યોને ગુરુવાર સુધી ગાંધીનગરમાં જ રહેવા માટે આદેશ કરાયો છે. ઘણા ધારાસભ્યો તો ઘરે ગયા જ નથી.

Next Story
Share it