રાજ્યભરમાં કમોસમી વરસાદનો કહેર
શિયાળાના આગમન પૂર્વે જામ્યો વરસાદ
રાજ્યના 152 તાલુકામાં વરસાદ નોંધાયો
ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત
કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી
ગુજરાત રાજ્યમાં શિયાળાની શરૂઆતના પડઘમ વચ્ચે કમોસમી વરસાદે ઋતુચક્રને જ બદલી નાખ્યું છે,સર્વત્ર વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે,તો બીજી તરફ ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ છવાઈ ગયું છે.
અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં શિયાળાની શરૂઆત પહેલા જ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 21 તાલુકા એવા રહ્યા જ્યાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાના મહુવામાં 7.68 ઈંચ અને સિહોરમાં 5 ઈંચ જેટલો નોંધાયો હતો. જ્યારે પાલિતાણામાં 2.99 ઈંચ, ભાવનગર શહેરમાં 2.83 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તાપીના સોનગઢમાં 3.94 ઈંચ વરસાદ ખાબક્યો તો સુરતના ઉમરપાડામાં 3.66 ઇંચ, સુરત શહેરમાં 1.89 ઈંચ, ઓલપાડમાં 1.26 ઈંચ વરસાદ ખાબકતા શહેર સહિત જિલ્લાભરમાં અનેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.
અમરેલી જિલ્લાના ખાંભાના ગ્રામ્ય પંથકમાં સતત આખી રાત વરસાદ વરસતા રાયડી ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમનું જળસ્તર વધતા તેના પાંચ દરવાજા બે-બે ફૂટ ખોલવામાં આવ્યા છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. પાંચ દરવાજા ખોલવામાં આવતા રાયડી નદી બે કાંઠે વહેતી થઈ છે.
વધુમાં કમોસમી વરસાદ સામે ખેડૂતો લાચાર બની ગયા છે,અને દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો ડાંગરનો તૈયાર માલ વરસાદમાં પલળી જવાથી ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે.