Connect Gujarat
ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રણનીતિકાર પ્રશાંત કિશોરની એન્ટ્રી !

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રણનીતિકાર પ્રશાંત કિશોરની એન્ટ્રી !
X

આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ માટે લીટમસ ટેસ્ટ સાબિત થનાર છે. ત્યારે કોંગ્રેસનું નેતૃત્વ ચમત્કારની આશા રાખી રહ્યું છે. 27 વર્ષથી ગુજરાતમાં સત્તાથી દુર રહ્યા બાદ આવનાર ચૂંટણીઓમાં સત્તા પર આવવાની અપેક્ષાઓ સાથે..કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરને ગુજરાતમાં લાવવાની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે 2014ની ચૂંટણી બાદ પ્રથમ વખત પ્રશાંત કિશોર ગુજરાતના રાજકારણમાં સક્રિય થયા છે.

2014ની ચૂંટણી બાદ પ્રશાંત કિશોર ગુજરાતના રાજકારણમાં પગ પેસારો કરવા જઈ રહ્યા છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી સક્રિય થઈ રહેલા પ્રશાત કિશોર હાલ ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટવીટરના માધ્યમથી યુવાનોના રસને સમજી રહ્યા છે. ડિજિટલ માધ્યમથી કરેલ આ શ્રી ગણેશમાં રસ ધરાવતા યુવાનો ઓનલાઇન ફોર્મ ભરી રહ્યા છે.

રાજકારણમાં બેઠેલા પક્ષને અવાર નવાર ઊભો કરનાર રણનીતિકાર પ્રશાંત કિશોરે Youth in Politics નામનું પેજ બનાવ્યુ છે જેમાં રસ ધરાવતા યુવાનો ઓનલાઇન અરજી કરી રહ્યા છે. તેમાં મહત્વની વાત એ છે કે રાજકીય ફેલોશીપ કાર્યક્રમમાં યુવાનોને જોડાવા ગુજરાતીમાં પોસ્ટ કરવામાં આવી છે. જેના પરથી સમજી શકાય છે કે 2022માં આવનારી ચૂંટણીમાં પ્રશાંત કિશોર કોંગ્રેસના તારણહાર બની શકે છે.

હાલ તો રાજકારણમાં રસ ધરાવતા યુવાનોનો ડેટામાં નામ, વિધાનસભાનું નામ, કઈ પાર્ટીને સમર્થન કરો છો તે સહિતની વિગતો લઈ ગુજરાતનાં રાજકારણમાં યુવાનોને જોડી રહ્યા છે. 11 ઓગસ્ટના રોજ કોંગ્રેસ ધારાસભ્યોની ગાંધીનગર ખાતે મહત્વની બેઠક મળી હતી , જેમાં પ્રશાંત કિશોરને ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવે તેવી માંગ ઉઠી હતી. જે બાદ હવે પ્રશાંત કિશોર ધીમે ધીમે ગુજરાતમાં સક્રિય થતાં દેખાઈ રહ્યા છે.

Next Story