Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં ભારે વરસાદની "આગાહી", સ્ટેટ ઇમર્જજન્સી કંટ્રોલ રૂમ સહિત NDRFની ટીમ તૈનાત

લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું સાર્વત્રિક આગમન, રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થતાં ખેડૂતોમાં ખુશી.

X

હવામાન વિભાગ દ્વારા આગામી 30 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.28મી જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સર્જાશે, જેની અસરને પગલે ગુજરાતને સારો વરસાદ મળવાની સંભાવના છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સ્ટેટ ઇમર્જન્સી કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રખાયો છે.

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 196 તાલુકામાં ચોમાસાની જમાવટ થઈ છે, જેમાં સૌથી વધુ વરસાદ વડોદરા, પંચમહાલ, ભાવનગર,સુરત, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, બનાસકાંઠા અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 9 મિમી સુધીનો વરસાદ ખાબક્યો છે. આજે ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં 30 જુલાઈ સુધી વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે.

દેશના અનેક રાજ્યોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ ચુકી છે, ત્યારે ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લેતા શહેરીજનો અને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. પરંતુ લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા સાર્વત્રિક વરસતા ખુશી વ્યાપી ગઈ છે. રાજ્યના અનેક જિલ્લામાં મેઘમહેર થતાં જગતના તાતની ચિંતામાં ઘટાડો થયો છે. સતત ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદના કારણે સિઝનના કુલ વરસાદમાં 6.66 ટકાનો વધારો થયો છે.

ચાલુ વર્ષે ચોમાસામાં થોડા વિરામ બાદ ફરી સાર્વત્રિક વરસાદની શરૂઆત થઇ છે, ત્યારે ગત શનિવારે સવારે સ્થિતિએ રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 25.92 ટકા જેટલો હતો. તો સાથે જ રાજ્યમાં કુલ સરેરાશ 840 મિલી વરસાદ નોંધાયો છે. જેની સામે અત્યાર સુધીમાં 273.65 મિલી વરસાદ પડ્યો છે. આ વર્ષે રાજ્યના તમામ 251 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે, જ્યારે 2 તાલુકામાં 2 ઇંચ વરસાદ થયો છે. રાજ્યના ચારેય ઝોનમાં નોંધપાત્ર વરસાદ થયો છે. તો સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં 35.19 ટકા વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્રમાં 31.89 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 30.08 ટકા, ઉત્તર ગુજરાતમાં 28.16 ટકા અને કચ્છમાં 30.25 ટકા વરસાદ નોંધાયો છે. જોકે, હવામાન ખાતા દ્વારા હજુ પણ આગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે NDRFની 12 ટીમને રાજ્યમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તો ગાંધીનગર ખાતે 24 કલાક સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. વરસાદના કારણે હવામાન વિભાગે માછીમારોને પણ ચેતવણી આપી આગામી 5 દિવસ માટે દરિયો ન ખેડવા સૂચન કર્યું છે. હવાની તેજ ગતિ, ઉંચા મોજા ઉછળવાની સંભાવનાને લઈ એલર્ટ અપાયું છે. તા. 28થી 30 જુલાઈ સુધી 65 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વર્તાઇ રહી છે.

Next Story