જામનગરના ભૂમાફિયા જયેશ પટેલના કરોડો રૂપિયાના 13 પ્લોટ ગુજસીટોક કાયદાની જોગવાઈ હેઠળ સિટી ડીવાયએસપી દ્વારા સીલ કરવામાં આવ્યા હતા.
જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ સામે સંખ્યાબંધ ગુન્હાઓ નોંધાયેલા છે. જેમાં જમીન પચાવી પાડવી, ખંડણી વસૂલવી, ફાયરિંગ કરાવવું, એડવોકેટની હત્યા જેવા અનેક ગુન્હાઓમાં વોંટેડ એવા આરોપી અને તેની ગેંગ સામે કાયદાનો સકંજો કસવા માટે 2 વર્ષ પહેલા ગુજસીટોક કાયદા હેઠળ ગુન્હો નોંધાયા બાદ હવે તેની મિલકત સીલ કરવા સિટી ડીવાયએસપી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ત્યારે જામનગરના ડીવાયએસપી જે.એન.ઝાલાના વડપણ હેઠળ શહેરના રણજીતસાગર રોડ પર આવેલ કુલ 13 પ્લોટ ટાંચમાં લેવામાં આવ્યા છે. આ જગ્યા રાજ્ય સરકારના ગૃહ વિભાગની સૂચનાથી અને વર્ષ 2020માં સિટી એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોકના ગુન્હાના કામમાં જપ્ત કરવામાં આવી છે. પોલીસે આ સ્થળે પ્લોટ ટાંચમાં લેવાતા હોવાની જાણ કરતું બોર્ડ પણ લગાડ્યું છે.