Connect Gujarat
ગુજરાત

જામનગર : આફ્રિકન દેશો સાથે વેપાર બાબતે ફેકટરી ઓનર્સ એસોસિએશનની બેઠક યોજાય

જામનગર : આફ્રિકન દેશો સાથે વેપાર બાબતે ફેકટરી ઓનર્સ એસોસિએશનની બેઠક યોજાય
X

બ્રાસ સીટી જામનગરના બ્રાસ ઉદ્યોગોમાં બનતા વિવિધ પ્રકારના પાર્ટસની રાષ્ટ્રીય સ્તરે એક અનેરી ઓળખ છે, ત્યારે જામનગરને બ્રાસ સીટી તરીકે વૈશ્વિક સ્તરે ઓળખ મળે તે હેતુથી જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન દ્વારા આફ્રિકન દેશો સાથે વેપાર બાબતે બેઠક તથા ફેકટરી વિઝિટનું આયોજન કરવામાં આવેલ હતું.

આ સેમિનારમાં યુગાન્ડાના એમ્બેસેડર તથા ડેપ્યુટી હેડ ઓફ મિશન કેઝાલા મહમદ, ઓફિસ ઇન્ચાર્જ મિસ બીરૂંગી સોફી, કોન્સ્યુલર ઓફિસર મીસ ઝિન અમોંગએ જામનગરની મુલાકાત લઇ બ્રાસ ઉધોગકારો સાથે વિચાર ગોષ્ઠી કરી હતી. બેઠકમાં જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન પ્રમુખ લાખા કેશવાલાએ કોઈ અન્ય દેશના એમ્બેસેડર જામનગરના બ્રાસ ઉદ્યોગની મુલાકાત લેવા પધારેલા હોય તેવા ઐતિહાસિક પ્રસંગને જામનગરના સોનરી ભવિષ્યના પ્રારંભ જેવો જણાવ્યો હતો. તેમજ ઉદ્યોગકારએ પોતાના ઉત્પાદનોને દેશ-વિદેશમાં ઓળખ મળે તથા આફ્રિકન દેશો સાથે વ્યાપાર કરવાની તક ઊભી કરવા માટે સંસ્થા દ્વારા જે મંચ પૂરો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તેનો લાભ લઈ જામનગરની અનેરી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે અગ્રેસર બનવાની લાગણી વ્યક્ત કરી હતી.

યુગાન્ડાના એમ્બેસેડર કેઝાલા મોહમ્મદએ બ્રાસ ઉદ્યોગના ઉત્પાદનો વિશેનું પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ ખૂબ પ્રભાવિત થઈ આફ્રિકન દેશો સાથે વ્યાપારની તકો અને તેનો લાભ આપવા તેમના દેશ તરફથી ઉદ્યોગકારોને પૂર્ણ સહકાર આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી. એમ્બેસેડરએ આફ્રિકાની ભૌગોલિક તથા આંતરિક માળખાકીય સુવિધાઓની માહિતી આપી ત્યાં રહેલી વિકાસની વિશાળ તકોથી ઉદ્યોગકારોને અવગત કરેલ હતા. આ બેઠકમાં સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગ તેજુરા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જામનગરના જનરલ મેનેજર કિશોર મોરી, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ રમણીક અકબરી, જી.આઇ.ડી.સી. પ્લોટ/શેડ હોલ્ડર્સ એસોસિયેશનના પ્રમુખ દિનેશ ડાંગરિયા સંલગ્ન સંસ્થાના હોદ્દેદારો, કારોબારી સભ્યો અને ઉદ્યોગકારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ફેકટરી ઓનર્સ એસોસિએશનના માનદ મંત્રી અશોક દોમડીયા દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ સહમંત્રી હર્ષદ પણસારાએ યુગાન્ડાના ડેલિગેશનને જામનગરના બ્રાસ ઉદ્યોગ વિશેની માહિતી આપી હતી.

Next Story