જામનગરમાં ટેન્કરમાં બોમ્બ હોવાની જાણ થતાં જ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, 108, ફાયર બ્રિગેડ તથા જિલ્લા પોલીસે ઘટના સ્થળે પહોંચી બોમ્બ ડિસ્પોઝલ કામગીરી હાથ ધરી હતી.પણ બાદમાં જામનગર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે આ મોકડ્રિલ હતી.
જામનગર જિલ્લા તંત્રની સજ્જતા અને સતર્કતા ચકાસવા જામનગર રાજકોટ હાઇવે પર ફલ્લા ગામ પાસે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શિવ શક્તિ હોટલ ખાતે અગ્રવાલ રોડ લાઇન્સ પ્રા.લી. નું ટેન્કર થોડી વાર માટે રોકાયું હતું.વિરામ બાદ ડ્રાઈવર દ્વારા ટેન્કરની તપાસ કરતા કોઈ વિસ્ફોટક જેવી વસ્તુ તેને ધ્યાને આવતા તેમણે અગ્રવાલ રોડ લાઇન્સ પ્રા.લી.ના સંચાલકને તાત્કાલિક મોબાઈલ દ્વારા જાણ કરી હતી. સંચાલક દ્વારા તુરંત જામનગર જિલ્લા કલેક્ટર તથા જામનગર જિલ્લા પોલીસ વડાને આ બાબતે મોબાઈલ દ્વારા જાણ કરવામાં આવી હતી. અને ત્યારબાદ અધિકારીઓએ ત્વરિત કાર્યવાહી હાથ ધરતાં પોલીસ, બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ, ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી 108 ને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જવાના આદેશ આપ્યા હતા.અને અગ્રવાલ રોડ લાઇન્સ પ્રા.લી. ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા ટેન્કરની ફરતે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં એક જગ્યાએ વિસ્ફોટક જેવી વસ્તુ નજરે પડી હતી. બોમ્બ સ્કોડ દ્વારા તાત્કાલિક આ વિસ્ફોટને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો. અને અંતમાં બોમ્બ સ્કોડ દ્વારા આ સમગ્ર કવાયતને મોકડ્રિલ જાહેર કરાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.