ખાદ્ય સુરક્ષા સામે ઉઠ્યા સવાલ
તેલના ડબ્બામાંથી નીકળ્યો ઉંદર
પરિવારના ત્રણ સભ્યોને ખોરાકી ઝેરની અસર
ત્રણેય સભ્યો હોસ્પિટલમાં સારવાર હેઠળ
ખાદ્ય સુરક્ષા વિભાગ આવ્યું હરકતમાં
જૂનાગઢમાં ખાદ્ય તેલને લઈને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે,એક પરિવારે ખરીદેલા કપાસિયા તેલના ડબ્બામાંથી મરેલો ઉંદર નીકળતા ખાદ્ય સુરક્ષા સામે પ્રશ્નો ઉભા થયા છે,અને આ પરિવારના ત્રણ સભ્યોને ખોરાકી ઝેર ની અસર થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
જૂનાગઢમાં ખાદ્ય સુરક્ષાને લઈને એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે, જેમાં કપાસિયા તેલના ડબ્બામાંથી મરેલો ઉંદર નીકળતા હાહાકાર મચી ગયો છે. આ તેલનો ઉપયોગ કરીને બનાવેલો ખોરાક ખાવાથી એક જ પરિવારના 3 સભ્યોને ઝેરી અસર થઈ છે.ઝિલમિલ કપાસિયા તેલના ડબ્બામાંથી આ મૃત ઉંદર મળી આવ્યો હતો, જેના કારણે તેલની ગુણવત્તા અને તેની પેકિંગ પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉભા થયા છે. આ ઘટનાએ નાગરિકોમાં ખાદ્ય વસ્તુઓની ખરીદી અને ઉપયોગ બાબતે ભયની લાગણી ફેલાવી દીધી છે.
તેલના ઉપયોગ બાદ ત્રણેય લોકોને ઝેરી અસરના લક્ષણો જણાતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબો દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે અને તેમની તબિયત હાલમાં તબીબી દેખરેખ હેઠળ છે. આ ઘટનાની જાણ થતાં જ ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પ્રશાસન હરકતમાં આવ્યું છે. તેમણે ઝિલમિલ કપાસિયા તેલના ઉત્પાદન અને વિતરણની પ્રક્રિયાની તપાસ શરૂ કરી દીધી છે. ડબ્બામાં ઉંદર કેવી રીતે આવ્યો, તે મુદ્દે કંપની અને સપ્લાય ચેઇનની બેદરકારી અંગે સઘન તપાસ કરવામાં આવી રહી છે.





































