પ્રેરણાધામ ખાતે કોંગ્રેસ દ્વારા પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ
શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરનું આયોજન
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિ
કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરોને માર્ગદર્શન અપાયું
મહાત્મા ગાંધી-સરદાર પટેલે દેશને આઝાદી અપાવી : ખડગે
જુનાગઢના પ્રેરણાધામ ખાતે કોંગ્રેસ દ્વારા શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે પ્રશિક્ષણ શિબિરના પ્રારંભે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપી છે. ગુજરાતથી કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરાયા બાદ ગુજરાત કોંગ્રેસના સંગઠનનું નવસર્જન થઈ ચૂક્યું છે, ત્યારે જુનાગઢમાં નવનિયુક્ત શહેર-જિલ્લા પ્રમુખો માટે પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જુનાગઢમાં ભવનાથની તળેટીએ પ્રેરણાધામમાં તા. 10 સપ્ટેમ્બરથી તા. 19 સપ્ટેમ્બર-2025 સુધી પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું છે. પ્રશિક્ષણ શિબિરના પ્રારંભે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જુનાગઢ ખાતે પહોચ્યા હતા. તો બીજી તરફ, તા. 12 અને 17 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી પણ પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવા જુનાગઢ પધારશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ નેતાઓનું નામ લીધા વિના સંવિધાન મુદ્દે શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેઓએ જણાવ્યુ હતું કે, મહાત્મા ગાંધી અને સરદાર પટેલના કારણે દેશને આઝાદી મળી અને તેના કારણે આજે દેશ એક છે. પરંતુ, અહીંથી અન્ય 2 લોકો છે, જેઓ સંવિધાનને સુરક્ષિત રાખવા નથી માગતા. ગાંધી અને સરદારે જે કામ કર્યું છે તેનો નાશ કરવા માગે છે. સમગ્ર બેઠક દરમ્યાન ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, શહેર-જિલ્લા પ્રમુખો સહિતના હોદેદારો તેમજ મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર, પાટીદાર અને ખેડૂતોના મુદ્દે AAPની સક્રિયતા જોઈ કોંગ્રેસે પણ જુનાગઢમાં તાલિમ શિબિરનું આયોજન કરી પોતાના રાષ્ટ્રીય નેતાઓ અને રાહુલ ગાંધીને બોલાવીને સૌરાષ્ટ્રને સાંધવાનો પ્રયાસ કર્યો હોય તેમ લાગી લાગી રહ્યું છે.