કોરોના કાળ વચ્ચે પણ ક્ચ્છ જિલ્લામાં બેંકોની થાપણમાં વધારો થયો છે. કચ્છના લોકો કામ ધંધાર્થે વિદેશમાં સ્થાયી થયા છે ત્યારે વિદેશથી એનઆરઆઈ નાગરિકો દ્વારા કચ્છની બેન્કોમાં થાપણ જમા કરાવાય છે ત્યારે કોરોનાકાળના બે વર્ષમાં કચ્છની બેંકોમાં એનઆરઆઈ થાપણ 3400 કરોડ જેટલી વધી છે.
ધંધા-રોજગાર માટે કચ્છીઓ વિદેશમાં સ્થાયી થયા છે અને લગ્ન પ્રસંગ, સામાજિક કે, ધાર્મિક પ્રસંગો, તહેવારો ટાણે અચુક માદરે વતન આવતા હોય છે. વિદેશમાં ધંધા-રોજગાર થકી મેળવેલી રકમ તેઓ સ્વદેશ અને વતનની એટલે કે કચ્છની બેંકોમાં મુકવાનું વધારે પસંદ કરે છે.સત્તાવાર મળતી વિગતો મુજબ 2016થી લઇને 2019 એટલે કે, ચાર વર્ષમાં બિનનિવાસી કચ્છીઓની બેંક થાપણો જે રીતે વધી તેના કરતાં કોરોના કાળના બે વર્ષમાં વધુ વધી છે. માર્ચ 2016થી માર્ચ 2021 સુધીની કુલ થાપણની રકમ 67,600 કરોડ થવા જાય છે, જેમાં કોરોના કાળના માત્ર બે જ વર્ષમાં એટલે કે, 2020 અને 2021માં ગત વર્ષોની તુલનાએ 3400 કરોડની થાપણો વધી છે.કોરોના મહામારીના કારણે વિદેશોમાં પણ 2020માં લોકડાઉનના પગલે ધંધા-રોજગાર સંપૂર્ણ ઠપ્પ થઇ ગયા હતા તો 2021માં પણ બીજી લહેરના કારણે પ્રતિબંધો જારી રહ્યા હતા. કચ્છમાં પણ ધાર્મિક, સામાજિક પ્રસંગો પર રોક લગાવાઇ હતી, જેના કારણે વિદેશથી કચ્છીઓએ માદરે વતન આવવાનું ટાળ્યું હતું.વિદેશીઓએ ધંધા-રોજગારમાં રોકવા માટે રકમ રાખી હોય અને કોરોનાના કારણે ધંધા-રોજગાર બંધ પડતાં તે રકમ બેંકોમાં મુકી હોય, ધાર્મિક, સામાજિક પ્રસંગો માટે બચત કરી હોય કે, હજુ ત્રીજી લહેરરૂપે કોરોનાનો ખતરો મંડરાઇ રહ્યો છે ત્યારે સારવાર માટે બચત કરી હોય ગમે તે કારણ હોય પણ અગાઉના 4 વર્ષના આંકડા પર દ્રષ્ટિપાત કરીએ તો કોરોના કાળના બે વર્ષમાં બિનનિવાસી કચ્છીઓની થાપણો વધી છે.