Connect Gujarat
ગુજરાત

કચ્છ : વાગડથી લઇ લખપણ સુધીના પંથકમાં વાતાવરણમાં પલ્ટો, ઠેર ઠેર અમી છાંટણા

હવામાન વિભાગની આગાહી સાચી ઠરતી હોય તેમ બુધવારે સવારથી કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો.

X

હવામાન વિભાગની આગાહી સાચી ઠરતી હોય તેમ બુધવારે સવારથી કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વાગડથી લઇ લખપત સુધીના પંથકમાં ઠેર ઠેર અમી છાંટણા વરસ્યાં હતાં.

કચ્છ જિલ્લામાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે ખેડૂતો અને માલધારીઓના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છે. રાજયના હવામાન વિભાગે તારીખ 5 થી 7 જાન્યુઆરી સુધી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. કચ્છની વાત કરવામાં આવે તો સવારથી જ વાગડથી માંડી લખપત સુધીના વિસ્તારમાં આકાશ ગોરંભાયેલું જોવા મળ્યું. સુર્યનારાયણ વાદળો પાછળ છુપાય ગયાં હતાં. કચ્છ જિલ્લામાં શિયાળાની હાજા ગગડાવતી ઠંડી પડી રહી છે. તેવામાં મોસમે બદલેલા મિજાજથી શીતલહેરોએ લોકોને થીજવી દીધાં હતાં.નખત્રાણા, ઉખેડા, નલિયા, ભવાનીપુર, હાજીપીર, ટોડીયા, લોરીયા સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો છે. ઉખેડાના સરપંચ તુષાર ગોસ્વામીએ જણાવ્યું કે, સવારથી જ પશ્ચિમ કચ્છનાં વાતાવરણમાં પલટો આવ્યો છે. નખત્રાણા, લખપત અને અબડાસામાં વરસાદ પડ્યો છે જેના કારણે ખેતરમાં પાકને તેમજ માલધારીઓના ઘાસને પણ નુકશાન થયું છે.

Next Story