Connect Gujarat
ગુજરાત

ગુજરાતની આ જગ્યાએ આવેલું છે લંકાપતિ રાવણનું ગામ, વાત જાણીને નવાઈ લાગી, તો જુઓ આ અહેવાલ...

તા. 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાં રામમય વાતાવરણ જોવા મળી રહ્યું છે.

X

તા. 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાં રામમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. દેશ અને દુનિયામાં ભગવાન શ્રી રામની જ ચર્ચા થઈ રહી છે. જોકે. તમને જાણીને નવાઈ લાગશે કે, પ્રાણપ્રતિષ્ઠા અંગે સૌથી વધુ ખુશી ગુજરાતમાં આવેલા રાવણના ગામમાં જોવા મળી રહી છે. જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ....

આ છે લંકાપતિ રાવણનું ગામ કુકડીયા... સાંભળીને તમને નવાઈ તો લાગશે જ. પરંતુ રાવણનું નહીં પણ રામાયણ સિરિયલમાં જેઓએ રાવણનું પાત્ર ટીવીના પડદે જીવંત કર્યું હતું, તે અરવિંદ ત્રિવેદીનું છે આ ગામ... સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આવેલ કુકડીયા ગામે રામાયણ સિરિયલના શુટિંગ દરમ્યાન લંકેશ રાવણ ભગવાન રામ વિશે ખૂબ જ અપશબ્દો બોલતા. જોકે, તે તેમની આજીવિકા માટે અને કિરદારના ભાગરૂપે હતા. હકીકતમાં લંકેશ રામના પરમ ભક્ત હતા. કુકડીયા ગામે શુટિંગ દરમ્યાન ભગવાન રામને કહેલા અપશબ્દોનું પ્રાયશ્ચિત મેળવવા માટે શુટિંગ પૂરું કરી આવે એટલે ઘરે ભગવાન રામની પૂજાપાઠ કરતા હતા.

ભગવાન રામ જ્યારે વનવાસ નીકળ્યા, તે દરમ્યાન તેમને ગંગા નદી પાર કરવાની હતી, ત્યારે કેવટે ભગવાન રામના પગ ધોઈ નાવમાં બેસાડી ગંગા પાર કરાવી હતી. અને રામાયણ સીરિયલમાં આ કેવટનો અભિનય કર્યો હતો લંકેશના ભત્રીજા કૌસ્તુપ ત્રિવેદીએ, ત્યારે અયોધ્યામાં યોજાનાર ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠાને લઈને તેમના પરિવારમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રામાયણ સીરિયલમાં લંકેશનું પાત્ર ખૂબ જ લોકપ્રિય બની ગયું, જ્યારે પણ લોકોને રાવણના ગામમાં આવવું હોય, ત્યારે કંડકટરને લંકા જવું છે તેવું જ કહેવું પડતું. અને કુકડીયા ગામની ટીકીટ મળી જતી. આજે પણ આ ગામનું નામ ભલે કુકડીયા હોય, પરંતુ લંકા તરીકે જ આ ગામની ઓળખ થાય છે.

અયોધ્યા ખાતે ભગવાન રામની પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છે, ત્યારે રાવણના આ ગામમાં પણ અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે, જે માટે તૈયારીઓને પણ અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. ભગવાન શ્રીરામની સાથે રામભક્ત રાવણની પણ ગ્રામજનો દ્વારા પૂજા કરવામાં આવશે.

જોકે, રાવણ વિના રામનું પાત્ર અધૂરું છે. તો રામ-રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીનું જીવન પણ રામમય હતું, અને તેમનો રામ પ્રત્યેનો અનુરાગ આજે પણ કુકડીયા ગામવાસીઓએ જાળવી રાખ્યો છે, અને રામ મંદિર પ્રતિષ્ઠાની ધામધૂમભેર ઉજવણી કરવાનું નક્કી કર્યું છે.

Next Story