લુણાવાડા-જૂની પોસ્ટ ઓફિસ નજીકની ઘટના
આર્થિક સંકડામણ અને ઘરકંકાસનું વરવું રૂપ
કપૂત દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો
વૃદ્ધનું મોત, માતા અને દીકરો સારવાર હેઠળ
સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી
મહીસાગર જિલ્લાના લુણાવાડામાં એક શખસે પોતાના ઘરમાં વૃદ્ધ માતા-પિતાની ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ચકચારી બનાવમાં પિતાનંા કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી અનુસાર, મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરની જૂની પોસ્ટ ઓફિસ નજીક બાલકૃષ્ણ સુથાર અગાઉ શેરબજારની ઓફિસ ચલાવતા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેઓ બેરોજગાર હતા. તેમના પિતા હસમુખલાલ સુથાર ઘરના નીચે કપડાં સીવવાના મશીન રિપેરિંગનું કામ કરતા હતા, જ્યારે માતા ચંદ્રિકાબેન ગૃહિણી છે. તેવામાં સવારના સમયે બાલકૃષ્ણ સુથાર માતા-પિતા ઉપર કાળ બનીને ત્રાટક્યો હતો. જેમાં તીક્ષ્ણ હથિયાર વડે માતા-પિતા પર હુમલો કરતાં પિતા હસમુખલાલના ગળા, હાથ અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે માતા ચંદ્રિકાબેન પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હુમલા બાદ બાલકૃષ્ણએ પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તે ઇજાગ્રસ્ત થયો છે. બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા, અને પોલીસને જાણ કરી હતી. બનાવના પગલે પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી, જ્યાં ઘાયલ માતા અને પુત્રને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જોકે, વધુ સારવાર માટે બન્ને ઇજાગ્રસ્તોને ગોધરા રીફર કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ, આ બનાવને ઘરકંકાસ સાથે જોડવામાં આવી રહ્યો છે, પરંતુ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાની પાછળના સાચા કારણો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, બાલકૃષ્ણ સુથાર અગાઉ શેરબજારની ઓફિસ ચલાવતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમણે આ વ્યવસાય બંધ કરી દીધો હતો. આર્થિક તંગી અને ઘરકંકાસના કારણે આ ઘટના બની હોવાની શક્યતા વર્તાય રહી છે. સમગ્ર બનાવના કારણે લુણાવાડા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.