ગુજરાતમાં “માવઠું” : સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસ્યો કમોસમી વરસાદ

હવામાન વિભાગ દ્વારા આજે તા. 13 મેના ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી

ગુજરાતમાં “માવઠું” : સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસ્યો કમોસમી વરસાદ
New Update

હવામાન વિભાગ દ્વારા આજે તા. 13 મેના ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગની આગાહી અનુસાર અરવલ્લી, મહિસાગર, દાહોદ, અમદાવાદ, આણંદ, દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, ભરૂચ, સુરત સહિત સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદમાં વરસાદની શક્યતા છે, ત્યારે આજે અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. લાઠીના ગ્રામીણ પંથકમા વાદળછાયા વાતાવરણ વચ્ચે ધૂળની ડમરી અને પવનના સૂસવાટા સાથે વરસાદ વરસ્યો હતો. કમોસમી હળવા વરસાદથી અમરેલી જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો બીજી તરફ, બપોર બાદ ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો હતો. ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. ટાણા, જાંબાળા, બોરડી, કાજાવદર, ખરી સહિતના ગામમાં વરસાદ વરસ્યો હતો, જ્યારે સિહોર તાલુના કેટલાક ગામમાં વરસાદી ઝાપટું પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. જોકે, કમોસમી અમી છાંટણાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ સમાન્ય વરસાદી ઝાપટું પડ્યા બાદ ફરીથી ગરમી યથાવત જોવા મળી હતી. આ તરફ, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી ઝાપટું આવી પડ્યું હતું. વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન ફૂંકાયો હતો. કપરાડા પંથકમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. કપરાડા તાલુકાના હુડા ગામ અને આજુબાજુના વિસ્તારમાં કરા પડ્યા હતા. તો ગિરનારા ગામમાં પણ આશ્રમ શાળાના પતરા અને શેડ હવામાં ઊડ્યાં હતા. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી છે., જ્યારે અનેક જગ્યાએ વીજ થાંભલાઓ પણ જમીનદોસ્ત થયા હતા. હવામાન વિભાગની આગાહી અનુસાર તા. 16 મે સુધી વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.

#CGNews #Rainfall #Heavy Rain #South Gujarat #strong winds #Mavathu #Unseasonal rain #Gujarat
Here are a few more articles:
Read the Next Article