21મી સદીમાં મહિલાઓ પણ પુરુષ સાથે કદમથી કદમ મિલાવીને આગળ વધી રહી છે. એવું કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં મહિલાઓ ના પહોચી હોય. ત્યારે મહેસાણાના વિસનગરની મહિલાઓએ પણ કઈ અલગ કરી બતાવ્યુ છે. વિસનગરની મહિલાઓ દ્વારા છેલ્લા 30 વર્ષથી પ્રિંટિંગ પ્રેસ ચલાવવામાં આવી રહી છે જેમાં દર વર્ષે 2 કરોડનું ટર્નઓવર થાય છે અને તેની વિશેષતા એ છી કે આ પ્રિંટિંગ પ્રેસનું તમામ કામ મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે.. જુઓ દીકરી દિવસ પર કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ....
મહિલાઓ સ્વમાનભેર જીવી શકે તે માટે 30 વર્ષ પૂર્વે મહેસાણાના વિસનગરમાં ઉભું કરાયેલું મુદ્રણાલય આજે વટવૃક્ષ બની મહિલાઓને સ્વરોજગાર તરફ પ્રેરી રહ્યું છે. દસ મહિલાઓથી શરૂ કરાયેલા આ મહિલા મુદ્રણાલયમાં આજે 1700 મહિલા સભાસદો છે અને વાર્ષિક 2 કરોડ જેટલું ટર્નઓવર થઈ રહ્યું છે. વિસનગરમાં વર્ષ 1990માં શ્રી વિસનગર મહિલા મુદ્રણાલયની સ્થાપના કરાઇ હતી. આ મુદ્રણાલય 30 વર્ષ બાદ 1700 મહિલા સભાસદ છે. જેનો વહીવટ તેમજ કામગીરી મહિલાઓના હાથમાં છે. આ મુદ્રણાલયમાં મહિલાઓ પોતાના ઘર આંગણે ફાઇલો બનાવવી, છાપકામ, કટીંગ કામ, બુક બાઇન્ડીંગ સહિત સ્ટેશનરીને લગતી તમામ વસ્તુઓ બનાવી સ્વનર્ભિર બની રહી છે. આ મુદ્રણાલય આજે રૂપિયા 2 કરોડના ટર્નઓવર આંબી જતાં મહિલાઓના આર્થિક વિકાસ માટે મહત્વનું બની રહ્યું છે.
સામાન્ય રીતે જોવા જઈએ તો પ્રન્ટીંગ પ્રેસમાં પુરુષોની પ્રાધાન્ય જોવા મળે છે. પરંતુ વિસનગરની આ મહિલા પ્રેસમાં તમામ મહિલાઓ હાલમાં કામ કરે છે. શરૂઆતમાં આ મહિલા પ્રેસમાં 10 મહિલાઓને રોજગારી આપવામાં આવતી હતી. પરંતુ હાલમાં 250 જેટલી મહિલાઓને રોજગારી આપવામાં આવે છે. આ સંસ્થા દ્વારા સરકારી તેમજ અર્ધ સરકારી ટેન્ડરો ભરવામાં આવે છે અને ત્યાર બાદ આ ટેન્ડર પ્રમાણે તેમને જે કામ મળે છે તે કામ આ મહિલાઓ દ્વારા પૂર્ણ કરવામાં આવે છે ત્યાર બાદ જે પણ નફો થાય તે તેમના સભાસદો વચ્ચે વહેંચવામાં આવે છે.