દેશમાં નમો ભારત રેપિડ રેલને અપાય લીલી ઝંડી
PM મોદીએ નમો ભારત રેપિડ રેલને પ્રસ્થાન કરાવ્યું
કચ્છ-ભુજથી અમદાવાદ આવવું હવે વધુ સરળ બન્યું
મુસાફરી બાદ મુસાફરોએ પોતાના અનુભવો દર્શાવ્યા
કચ્છવાસીઓ માટે આ ટ્રેન એક મોટી ભેટ સમાન બની
તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમો ભારત રેપિડ રેલને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું, ત્યારે આવો જાણીએ આવો જાણીએ અમારા આ વિશેષ અહેવાલમાં.. કેવી છે આ ટ્રેન અને શું છે તેની વિશેષતા...
ભારતની પ્રથમ વંદે મેટ્રો એટલે કે, નમો ભારત રેપિડ રેલને ગત સોમવારે ગુજરાતના અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેન ભુજથી અમદાવાદનું 359 કિલોમીટરનું અંતર 5 કલાક 45 મિનિટમાં કાપશે. આ ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓનો અનુભવ જાણીએ તો તેઓને આ ટ્રેન ખૂબ જ પસંદ આવી છે, અને કચ્છવાસીઓ માટે આ ટ્રેન એક મોટી ભેટ સમાન હોવાનું જણાવ્યુ હતું.
જોકે, મુસાફરો માટે નમો ભારત રેપિડ રેલનું ભાડું 455 રૂપિયા હશે. નમો ભારત રેપિડ રેલની મહત્તમ ઝડપ 110 કિમી પ્રતિ કલાક છે. તેનાથી મુસાફરોનો ઘણો સમય બચે છે. ટ્રેનની સીટો અત્યાધુનિક રીતે ડિઝાઇન કરવામાં આવી છે. આ ટ્રેન કવચ જેવી આધુનિક સુરક્ષા વ્યવસ્થાથી સજ્જ છે. આ ટ્રેનમાં મુસાફરો માટે ભોજન સેવા પણ ઉપલબ્ધ છે. અકસ્માતોને રોકવા માટે આ ટ્રેનમાં એડવાન્સ બ્રેકિંગ સિસ્ટમ પણ લગાડવામાં આવી છે. નમો ભારત રેપિડ રેલ 150 કિમીની ત્રિજ્યામાં શહેરોને જોડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે લગભગ 3થી 4 કલાકમાં આરામદાયક મુસાફરી પૂરી પાડે છે.