ભાજપના સાંસદ અને ધારાસભ્ય આમને સામને
સાંસદ મનસુખ વસાવાએ આપ્યું હતું વિવાદીત નિવેદન
નનામા પત્રના આધારે કર્યા હતા ભ્રષ્ટાચારના આક્ષેપ
ભાજપ અને આપના નેતાઓ સામે કર્યા હતા આક્ષેપ
ભાજપ MLA ડો.દર્શન દેશમુખ કરશે માનહાનીનો દાવો
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના કમલમ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ અને આપના નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા,જેમાં ડો.દર્શન દેશમુખે સાંસદના વિવાદાસ્પદ નિવેદનનું ખંડન કરીને તેમની સામે માનહાનીનો દાવો કોર્ટમાં કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ભરૂચ-નર્મદા જિલ્લાના ભાજપના આખાબોલા સાંસદ મનસુખ વસાવા તેઓના નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહે છે,તાજેતરમાં મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના કમલમ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી,જેમાં તેઓએ નનામા પત્રના આધારે ભાજપ અને આપના નેતાઓ સામે તોડપાણીના ગંભીર આક્ષેપ કર્યા હતા,જે નિવેદનથી રાજકારણમાં વિવાદોનો ચરૂ ઉછાળ્યો છે.સાંસદ મનસુખ વસાવાએ ભાજપના મોટા નેતાઓ અને આપના નેતાઓ સાંઠગાંઠ કરી તોડપાણી કરીને ભ્રષ્ટાચાર આચરતા હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા.
સાંસદ મનસુખ વસાવાએ નનામા પત્રના આધારે કરેલા નિવેદનોના રાજકીયક્ષેત્રે ઘેરા પ્રત્યાઘાત પડયા છે.જેની સામે નાંદોદના ભાજપના ધારાસભ્ય ડો.દર્શન દેશમુખે પણ નારાજગી વ્યક્ત કરી છે.અને સાંસદ મનસુખ વસાવાના આક્ષેપોને રદિયો આપ્યો હતો,તેમજ ધરણા પર બેસવા સુધીની તૈયારી દર્શાવી હતી,પરંતુ પ્રદેશ ભાજપમાંથી સૂચના મળતા તેઓએ ધરણા મૌકૂફ રાખ્યા હોવાનું જણાવ્યું હતું.વધુમાં ધારાસભ્ય ડો.દર્શન દેશમુખે સાંસદ મનસુખ વસાવાના નિવેદનોને ગંભીરતાથી લઈને સાંસદ સામે કોર્ટમાં માનહાનીનો દાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.