નવસારી જિલ્લામાં દીપડા દેખાવાની ઘટનામાં વધારો
ઉપસળ ગામે દીપડાએ કર્યો હતો બાળકી ઉપર હુમલો
મોટી વાલઝર ગામે દીપડો દેખા દેતા લોકોમાં ફફડાટ
આરક રાણોદ્રા ગામમાંથી ખૂંખાર દિપડો પાંજરે પુરાયો
દિપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં દીપડા દેખાવાની ઘટના હવે આમ વાત થઈ છે. ગત રાત્રે પણ મોટી વાલઝર ગામમાં દીપડો દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. તો બીજી તરફ, આરક રાણોદ્રા ગામમાં દિપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
તાજેતરમાં જ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉપસળ ગામે સાંજના સમયે ઘર નજીક રમતી 10 વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કરતા ગળાના ભાગે ગંભીર ઈજા પહોચી હતી. જેને સુરત ખાતે હાલ સારવાર આપવામાં આવી રહી છે, આ ઘટનાના 2 દિવસ બાદ નવસારીના મોટી વાલઝર ગામે ફરીવાર ઘર પાસે રમી રહેલી 6 વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. આ ઘટના જોતા જ બાળકીની માતાએ પોતાના જીવની બાજી લગાવી દીપડા સાથે બાથ ભીડી હતી, અને પોતાની દીકરીનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાને લઈને વાસદા તાલુકાના દીપડા દેખાતા હોય તેવા ગામડાઓમાં વન વિભાગ દ્વારા 15થી વધુ પાંજરા મુકી દીપડો પકડવા કવાયત હાથ ધરી છે. તો બીજી તરફ, ગત સાંજે મોટી વાલઝર ગામે ફરીવાર દીપડો દેખાતા કાર ચાલકે પોતાના મોબાઈલ કેમેરામાં વિડીયો બનાવ્યો હતો. દિપડો રસ્તાની આજુબાજુ આવેલા જાડી જાખરામાં ભરાય જાય છે, તેવું સ્પષ્ટ જોઈ શકાય છે. આ દીપડો પાંજરે પુરાય તેની રાહ વન વિભાગ જોઈ રહ્યું છે. તો આ તરફ, નવસારી નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા આરક રાણોદ્રા ગામમાં દિપડો પાંજરે પુરાયો હોવાનું સામે આવ્યું છે. આરક રાણોદ્રા ગામમાં થોડા દિવસ અગાઉ દિપડો ગામમાં આંટાફેરા મારતો જોવા મળ્યો હતો. જેના પગલે વન વિભાગ દ્વારા દિપડાને પકડવા માટે પાંજરું મુકવામાં આવ્યું હતું, ત્યારે ગત મોડી રાત્રે ખૂંખાર દિપડો પાંજરામાં પુરાયો હતો. ઘટનાના પગલે સરપંચ દ્વારા વન વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. વન વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચી દિપડાનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, દિપડો પાંજરે પુરાય જતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.