જાફરાબાદ મધદરીયે બોટની જળસમાધીનો મામલો
જાફરાબાદ દરિયામાં 11 ખલાસીઓ થયા હતા લાપતા
વધુ બે ખલાસીઓના મૃતદેહ દાંડી દરિયા કિનારેથી મળ્યા
અગાઉ બે ખલાસીના મૃતદેહ મળી આવ્યા હતા
આ ઘટનામાં હજુ 7 ખલાસીઓ છે લાપતા
અમરેલી જિલ્લાના જાફરાબાદમાં 18 નોટિકલ મધદરિયે બોટ ડૂબી જવાના કારણે 11 જેટલા ખલાસીઓ ગુમ થયા હતા,જેમાંથી બે ખલાસીઓના મૃતદેહ નવસારી જિલ્લાના દાંડી દરિયા કિનારેથી મળી આવ્યા હતા.
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં દસ દિવસ પહેલા ખલાસીઓની બોટને મધદરિયે અકસ્માત નડ્યો હતો,અને તોફાનના કારણે બોટે જળસમાધી લીધી હતી. ઘટનામાં કુલ 11 જેટલા ખલાસીઓ લાપતા થયા હતા.જેમાંથી બેના મૃતદેહ અમરેલી જિલ્લામાંથી મળી આવ્યા હતા, અને વધુ બેના મૃતદેહ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના માછીવાડ દીવાદાંડી અને દાંડી દરિયા કિનારે મળી આવ્યા હતા. ઘટનાની જાણ નવસારી પોલીસને થતા પોલીસે તાત્કાલિક મૃતદેહનો કબજો લઈ તપાસ આરંભી હતી.અને તાત્કાલિક અમરેલી પોલીસનો સંપર્ક કરી આ મૃતદેહની ઓળખ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે મધદરિયે લાપતા બનેલા 11 ખલાસીઓ પૈકી અત્યાર સુધીમાં 4ના મૃતદેહ મળ્યા છે,જ્યારે હજી 7 ખલાસી લાપતા હોવાનું જાણવા મળ્યું છે.