ગુજરાત રાજ્યના મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈ ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લાની સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. જેમાં વરસાદના કારણે સૌથી વધુ પ્રભાવિત થયેલા નવસારી જિલ્લાને કેશડોલ્સ સહાય પેટે રૂ. 5 કરોડ ફાળવવામાં આવ્યા હતા.
સમગ્ર રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે, ત્યારે છેલ્લા 24 કલાકથી રાજ્યમાં ક્યાંય રેડ એલર્ટ આપવામાં નથી આવ્યું. રાજ્યના પોરબંદર, જુનાગઢ અને વલસાડ જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે, ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ અંગે રાજ્યના મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મુલાકાત લીધી હતી. રાજ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, વરસાદના કારણે સૌથી વધુ નવસારી જિલ્લો પ્રભાવિત થયો છે, ત્યારે નવસારીમાં 132 ટીમો દ્વારા સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ નવસારી જિલ્લાને કેશ ડોલ્સ સહાય પેટે 5 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
જોકે, હાલ નવસારીમાં વરસાદે વિરામ લીધો છે, ત્યારે અબોલ પશુઓ માટે સૂકા ઘાસચારાની માંગ આવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મહત્તમ 5 ઢોરની મર્યાદામાં પશુદીઠ 4 કિલો સૂકુ ઘાસ વિનામુલ્યે આપવાનો નિર્ણય કરાયો છે.