નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાનાં પોંસરી ગામમાં ક્લોરીન પ્લાન્ટમાંથી ગેસ ગળતર થતા દોડધામ મચી જવા પામી હતી
ગણદેવી તાલુકાના પોંસરી ગામમાં પાણી શુદ્ધ કરવા માટે ક્લોરીન પ્લાન્ટ 1995થી નાખવામાં આવ્યો છે. જેમાં અન્ય 3 ગામોને પણ પાણી ઉપલબ્ધ કરવામાં આવે છે. આજે સવારે પ્લાન્ટનો વાલ્વ લીકેજ થતાં ક્લોરીન ગેસને કારણે સંપર્કમાં આવેલા 150 લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. જેમને સામાન્ય સારવાર કરી રજા આપવામાં આવી છે. આશરે 4000ની વસતી ધરાવતા પોંસરી ગામને શુદ્ધ પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા ક્લોરીન પ્લાન્ટ નાખવામાં આવ્યો છે.
જેમાં આજે સવારે એકાએક પ્લાન્ટનો વાલ્વ બગડી જતા હવામાં ભળેલા ગેસને કારણે દોઢસો જેટલા લોકોને શ્વાસોશ્વાસમાં તકલીફ ઉભી થઈ હતી. તેને તાત્કાલિક બીલીમોરા ફાયરના કર્મીઓએ આવીને ગેસને ઠંડો પાડવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો.જેમાં કામગીરી દરમિયાન ત્રણ જવાનો ને પણ શ્વાસોશ્વાસમાં તકલીફ ઉભી થઈ હતી.