-
ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરની ઘટના
-
ગોહરબાગ વિસ્તારના જૈન દેરાસરમાં થઈ ચોરી
-
કિંમતી મૂર્તિઓ, સોના-ચાંદી સહિત રોકડની ચોરી
-
બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડ્યા
-
ડોગ સ્કવોર્ડ સહિત CCTVના આધારે પોલીસ તપાસ
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં આવેલ સ્થિત જૈન દેરાસરમાં ચોરી થતાં પોલીસે ડોગ સ્કવોર્ડ સહિત CCTV ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.
નવસારી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ કથળતી જઇ રહી છે. એટલું જ નહીં ચોરી લૂંટફાટના બનાવમાં પણ નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે, ત્યારે ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરના ગોહરબાગ વિસ્તારમાં આવેલ જૈન દેરાસરમાં તસ્કરોએ હાથ અજમાવ્યો હતો. તસ્કરોએ દેરાસરમાં પ્રવેશ કરી કિંમતી મૂર્તિઓ, સોના-ચાંદી સહિત રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે બાદ સવારે દેરાસરના પૂજારી આવતા સામાન વેરવિખેર જોઈ આગેવાનો અને પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતા જોતાં બીલીમોરા પોલીસ સહિત ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા, જ્યાં પોલીસે ચોરી અંગે ફરિયાદ નોંધી ડોગ સ્કવોર્ડ સહિત CCTV ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શિયાળાની શરૂઆત થતાં જ ચોરીની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે, ત્યારે પોલીસના નાઈટ પેટ્રોલિંગ ઉપર પણ લોકોએ સવાલ ઉઠાવ્યા છે.