એશિયાટિક સિંહોનું ઘર એટલે ગીર..., ત્યારે આજથી સિંહોનું વેકેશન શરૂ થઈ ગયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 4 મહિના સુધી એટલે કે, તા. 16 જૂનથી તા. 15 ઓક્ટોબર સુધી સિંહોનો સંવનન કાળ હોવાથી સફારી પાર્ક બંધ રહેશે, જ્યારે દેવળીયા પાર્ક આખું વર્ષ ખુલ્લું રહેશે અને તેમાં પણ પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકશે. જોકે, એક વર્ષમાં અંદાજે 5 લાખ પ્રવાસીઓ સાસણની મુલાકાતે આવ્યા છે, ત્યારે આગામી 4 મહિના પ્રવાસીઓને સિંહ દર્શન થઈ શકશે નહીં.
સૌરાષ્ટ્રભરમાં હાલ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે જંગલ વિસ્તારમાં રસ્તાઓ ખૂબ જ કાચા હોવાના કારણે જીપ્સી ફસાય પણ શકે છે. માત્ર સિંહ નહીં પરંતુ અન્ય પ્રજાતિઓનો પણ આ સમયગાળા દરમ્યાન સંવનન કાળ રહેતો હોય છે. જેથી તેને ખલેલ ન પહોંચે તે માટે 4 મહિના સુધી સિંહોનું વેકેશન રાખવામાં આવે છે. આ સીઝન દરમ્યાન સિંહોને સમિટમાં પણ થોડો ઘણો ફેરફાર નોંધાતો હોય છે. જેથી તેનું પણ વન વિભાગના કર્મચારીઓ દ્વારા વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.