પંચમહાલ: ગોધરાના વિશ્વકર્મા ચોક પાસે વીજ કંપની દ્વારા ડી.પી. નાખવાની કામગીરી સામે સ્થાનિકોનો વિરોધ

New Update

પંચમહાલના ગોધરા શહેરના હાર્દસમા એવા વિશ્વકર્મા ચોક ખાતે જાહેર રસ્તા ઉપર વીજ કંપની દ્વારા ડી.પી. ઉભી કરવાની કામગીરી સામે સ્થાનિક રહીશોએ ભારે વિરોધ નોંધાવ્યો છે અને મધ્ય ગુજરાત વીજ કંપનીના ગોધરા સ્થિત નાયબ ઈજનેર અને ગોધરા નગર પાલિકાના મુખ્ય અધિકારી સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં સ્થાનિક રહીશોએ જણાવ્યું છે કે, જાહેર રસ્તા ઉપર અવરોધ ઉભો કરનાર આ વીજ કંપનીની ડી.પી.ને કારણે ભવિષ્યમાં કોઈ જીવલેણ અકસ્માત સર્જાશે તો સત્તાધીશો સંપૂર્ણ જવાબદાર ગણાશે તેમ જણાવતા પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.

શહેરના વિશ્વકર્મા ચોક ચોવીસ કલાક વાહનોની અવર જવરોથી ધમધમતો રહે છે આ વિસ્તારમાં આવેલ કે. કે. હોસ્પિટલની સામેનો ખુલ્લો જાહેર માર્ગ ઉપર વાહનો ઉભા રહે છે અને સ્થાનિક ભૂલકાઓ રમતા હોય છે. આ જાહેર માર્ગ ઉપર ગોધરા વીજ કંપનીના સત્તાધીશો દ્વારા ડી.પી. ઉભી કરવામાં આવતા આ જાહેર માર્ગ ઉપર દબાણ કરવાના અવરોધના પગલે સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં ભારે અસંતોષ ઉભો થવા પામ્યો છે.