/connect-gujarat/media/post_banners/b7175cd16aeddbfd3584b17aec42fa535967891fd439dbea77f001a7e20aea7f.jpg)
પંચમહાલ જિલ્લાના ગોધરા-અમરાપુર નજીક ખાનગી બસ પલટી મારી ગઈ હતી, ત્યારે બસમાં સવાર 20થી વધુ યાત્રાળુઓને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, મધ્યપ્રદેશના છીદવાડા ખાતેથી નર્મદા પરિક્રમા યાત્રા માટે 50થી વધુ યાત્રિકો ખાનગી બસમાં સવાર થઈને નીકળ્યા હતા, ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા-અમરાપુર નજીક બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બસ પલટી મારી જઈ રોડ સાઈડ ખાડીમાં ખાબકી હતી, જ્યાં બસમાં સવાર 20થી વધુ યાત્રાળુઓને નાની મોટી ઇજા પહોચી હતી. બનાવના પગલે ઘટનાસ્થળે લોકો પણ બચાવ કામગીરીમાં લાગી ગયા હતા. ત્યારબાદ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે મોટી જાનહાનિ ટળતા લોકોએ પણ રાહત અનુભવી હતી.