Connect Gujarat
ગુજરાત

આજે પેટ્રોલમાં 29 પૈસા અને ડીઝલમાં 17 પૈસાનો ભાવ વધારો, 9 રાજ્યોમાં પેટ્રોલ 100ને પાર

આજે પેટ્રોલમાં 29 પૈસા અને ડીઝલમાં 17 પૈસાનો ભાવ વધારો, 9 રાજ્યોમાં પેટ્રોલ 100ને પાર
X

દેશમાં આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓની કિંમત સૂચના મુજબ પેટ્રોલના ભાવમાં લિટર દીઠ 29 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 17 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 96.41 રૂપિયા અને ડીઝલના એક લિટરની કિંમત 87.45 રૂપિયા પર પહોંચી ગઈ છે. મોટી વાત એ છે કે 9 રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને વટાવી ગઈ છે.

દેશના જુદા જુદા ભાગોમાં પેટ્રોલ ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને લદાખ સહિત છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ.100ને પાર કરી ગયું છે. જ્યારે મુંબઇમાં પેટ્રોલ હાલમાં લિટર દીઠ 102.82 અને ડીઝલની કિંમત 94.84 રૂપિયા છે. રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલ પર સૌથી વધુ વેટ લાગે છે. તે પછી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તેલંગાણાનો નંબર આવે છે.ચાલુ વર્ષે 4મે પછી પેટ્રોલ, ડીઝલની કિંમતો 24મી વખત વધી છે.

આ દરમિયાન પેટ્રોલના ભાવમાં રૂ. 5.54 અને ડીઝલના ભાવમાં 6.63 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે. ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા 15 દિવસની કિંમતના સરેરાશ આધારે ઘરેલુ બજારમાં દરરોજ ભાવ નક્કી કરે છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે વાહન ઇંધણના છૂટક ભાવમાં વધારો થઈ રહ્યો છે. રોકાણકારો અપેક્ષા રાખે છે કે વધતી માંગને કારણે બજાર ઓપેક અને તેના સાથીઓના સરપ્લસ ઉત્પાદનનો ઉપયોગ કરી શકશે.

Next Story