/connect-gujarat/media/post_banners/3d69fcc4c4a43e3662d1c3fd4a11c8085c346d49a3382eebca9f3bca29f65a94.jpg)
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દિવસ રાત એક કરીને કામગીરીમાં જોતરાઈ જશે. તો બીજી તરફ ચૂંટણી જાહેર થતા જ PM મોદીના પ્રચાર કાર્યક્રમોને પણ વેગ મળશે. જે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. PM નરેન્દ્ર મોદી ગુજરાતમાં 20થી 25 જાહેરસભાઓ ગજવશે. જે સમગ્ર રાજ્યને આવરી લેશે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સૌરાષ્ટ્ર, ઉત્તર-મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ઝોન વાઈઝ સભાઓનું આયોજન કરવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે. આ દરમિયાન PM મોદી ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં સભાઓ ગજવશે. આ સભાઓને લઈ પ્રદેશ ભાજપ દ્વારા પણ તૈયારી શરૂ કરવામાં આવી છે. પ્રદેશ ભાજપના આગેવાનો PMO સાથે સતત સંપર્કમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ જનસભા દરમિયાન સ્થાનિકો અને કાર્યકર્તાઓને PM મોદી સંબોધન કરશે.
આ અંગે આગામી તા. 5 અને 6 નવેમ્બરે PMની અન્ય સભાનો તક્તો તૈયાર કરવામાં આવશે. આગામી ચૂંટણીમાં પ્રચારના અગ્રણી ચહેરાઓમાં ભાજપમાં નરેન્દ્ર મોદીનું નામ મોખરે છે. 2014 પછી મોટા ભાગના તમામ ચૂંટણીમાં વડાપ્રધાન મોદી ભાજપ માટેનો ચહેરો છે. વતનમાં વડાપ્રધાન મોદી છેલ્લા કેટલાક સમયથી રેલીઓ લોકાર્પણ-શિલાન્યાસ કરી રહ્યા છે. વધુમાં ભાજપ માટે ગૃહમંત્રી અમિત શાહ બીજો મોટો ચહેરો બની શકે છે. જે ગાંધીનગરના સાંસદ છે, અને તેમનું સમગ્ર રાજકારણ રાજ્ય પર કેન્દ્રિત રહ્યું છે.