કોલકાતામાં ટ્રેઈની ડોકટર પર દુષ્કર્મ અને હત્યાના બનાવના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા છે, ત્યારે અમદાવાદ, અમરેલી, ગીર સોમનાથ, સાબરકાંઠા, વલસાડ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં રેલી, કેન્ડલ માર્ચ અને વિરોધ પ્રદર્શનો યોજાયા હતા.
કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં સમગ્ર ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ સમર્થન આપ્યું છે. ગુજરાતમાં મેડીકલ કોલેજના રેસિડેન્ટ તબીબોએ હડતાળ પાડ્યા બાદ IMAએ પણ 24 કલાક ઈમરજન્સી સિવાયની સેવા બંધ રાખવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ, રાજ્યના વિવિધ વિસ્તારોમાં રેલી, કેન્ડલ માર્ચ અને વિરોધ પ્રદર્શનો યોજાયા હતા, ત્યારે અમદાવાદમાં ભાજપ મહિલા મોરચા દ્વારા લાલ દરવાજા ખાતે મૌન રેલી યોજી વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કોલકત્તામાં બનાવને પગલે મહિલા સુરક્ષાની નિંદા કરવા માટે મૌન રેલી સહિત કેન્ડલ માર્ચ યોજાય હતી.
કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો યોજાય રહ્યા છે, ત્યારે અમરેલી ખાતે પણ શાંતાબા મેડીકલ કોલેજના ઈન્ટર્ન ડોકટર્સોએ કલકત્તા દુષ્કર્મ ઘટનાના વિરોધમાં કેન્ડલ માર્ચ યોજી હતી. કેન્ડલ માર્ચ દરમ્યાન ડો. જી.જે.ગજેરાએ જાહેરમાં પિસ્તોલ બતાવી હતી. જોકે, પિસ્તોલ બતાવી જાહેરમાં શેખી મારનાર ડો. ગજેરા સામે પોલીસ દ્વારા ગુન્હો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.
તો બીજી તરફ, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ભાજપ મહિલા મોરચાની બહેનોએ મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં કેન્ડલ માર્ચ યોજી હતી. આ સાથે જ પશ્વિમ બંગાળમાં મમતા બેનરજીના રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી. વેરાવળ નગરપાલિકાથી ટાવર ચોક સુધીની કેન્ડલ માર્ચ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ઉષા કુશકિયાની આગેવાનીમાં યોજાય હતી. આ ઘટનાને મહિલાઓએ આક્રોશ સાથે સખત શબ્દોમાં વખોડી કાઢી હતી.
પશ્ચિમ બંગાળમાં ડોક્ટર મહિલાની દુષ્કર્મ અને હત્યાની ઘટનાને લઈને સાબરકાંઠા ભાજપ મહિલા મોરચા સહિત વિવિધ સામાજિક સંસ્થાની મહિલાઓ સહિત ડોક્ટર, નર્સ દ્વારા હિંમતનગર ટાવર ખાતેથી કેન્ડલ માર્ચ સહિત હાથમાં વિવિધ બેનરો સાથે મૌન રેલી યોજાય હતી. દુષ્કર્મ અને હત્યા જેવા કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે પશ્ચિમ બંગાળમાં ડોક્ટર મહિલા પર દુષ્કર્મ અને હત્યાના સંડોવાયેલા નરાધામો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી.
આ તરફ, દક્ષિણ ગુજરાતમાં પણ કોલકતા દુષ્કર્મ અને હત્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દાદરા નગરહવેલીના સેલવાસની નમો મેડિકલ કોલેજ અને પ્રદેશના રેસિડેન્ટ ડોકટરોએ કેન્ડલ માર્ચ યોજી હતી. સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલથી શરૂ થયેલી કેન્ડલ માર્ચ વિવિધ જાહેર માર્ગો પર ફરી હતી. જેમાં પીડિતાના પરિવારને ન્યાય મળે અને આરોગ્ય વર્કરોની સુરક્ષા માટે સરકાર દ્વારા કડક નિયમો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.