-
વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન
-
મતદારોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
-
ચૂંટણીમાં સર્જાયો છે ત્રિપાંખિયો જંગ
-
ગ્રામ્ય વિસ્તારના બુથ પર લાગી મતદારોની કતારો
-
80 વર્ષીય વૃદ્ધાએ પણ કર્યો મતાધિકારનો ઉપયોગ
બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલીંગ સ્ટેશન પર સવારે 7 કલાકથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. અને મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલીંગ સ્ટેશન પર મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે,ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કરે છે,જ્યારે ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા અને અપક્ષ ઉમેદવારી કરનાર માવજી પટેલ બંને રાજકીય પાર્ટીઓનો ખેલ બગાડે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી હતી,જોકે આજરોજ સવારથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયામાં મતદારોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું.
ભાભર તાલુકાના રૂણી ગામની પ્રાથમિક શાળાના બુથ નંબર 1 થી 3 ખાતે મતદારોમાં મતાધિકારને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી જ મતદારોની કતારો જોવા મળી રહી છે. મતદાર સહાયતા બુથ પર મતદારોને મતદાર ક્રમાંક અને બુથ નંબર વિશે માહિતી આપવામાં આવી હતી.રૂણી ગામના યુવાથી લઈને વૃદ્ધ મતદારો ઉત્સાહ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા.20 વર્ષીય યુવા મતદાર સોનલબેને ત્રીજી વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકોને વધુમાં વધુ મત આપવા અપીલ કરી હતી. આ ગામના 80 વર્ષીય દલીબેને પોતાના પરિવાર સાથે લોકશાહીના પર્વ એવા મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેઓ સંયુકત કુટુંબમાં રહે છે અને પરિવારના દરેક સભ્ય આજે મત આપવા માટે આવ્યા છીએ તેમણે લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.