દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની પધરામણી
ચોમાસુ ત્યારબાદ નવરાત્રિ વેળા પણ વરસ્યો વરસાદ
ફરી એકવાર વરસાદ વરસતા લોકોની ચિંતામાં વધારો થયો
સુરત અને નવસારીમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાયા
દિવાળી સમયે વરસાદથી લોકોની ચિંતામાં થયો વધારો
દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ પધરામણી કરી છે. ચોમાસુ અને ત્યારબાદ નવરાત્રિ દરમિયાન અને હવે દિવાળીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરત અને નવસારીમાં વરસાદે લોકોની ચિંતામાં વધારો કર્યો છે.
ગત ઓક્ટોબર મહિનાના મધ્ય સુધી પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે લોકોની ચિંતામાં હવે વધારો થઈ રહ્યો છે. વહેલી સવારથી જ સુરત શહેરમાં આકાશ કાળા ડિબાંગ વાદળોઓથી ઘેરાયું હતું, અને ત્યારબાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરના અમરોલી, છાપરાભાઠા, વરિયાવ, કતારગામ સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ શરૂ થતાની સાથે જ ઘરેથી કામકાજ માટે બહાર નીકળતા લોકો પણ અટવાયા હતા. તો બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા પણ સતત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જે મુજબ આ વખતે પણ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા. મોટા વરાછા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા. વરસાદી પાણી ભરાવવાના કારણે અનેક વાહનો બંધ પડ્યા હતા.
તો બીજી તરફ, નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. નવસારી શહેર સહિત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. નવસારીમાં આવેલા તીઘરા, સ્ટેશન રોડ, ડેપો સહિત શહેરના તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. ગણદેવી, બીલીમોરા, ચીખલી, વાંસદા સહિત તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. આ વચ્ચે ભારે પવન સાથે વરસાદ પડતાં ખેડૂતોની ચિંતામાં પણ વધારો તહયો હતો. ડાંગર શેરડી સહિત અનેક પાકોને નુકશાન થવાની ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જોકે, દિવાળી સમયે વરસાદથી લોકોની સાથે સાથે વેપારીઓ પણ ખાસ ચિંતિત જોવા મળી રહ્યા છે. આ સાથે જ લોકોના ધંધા અને રોજગાર પર વરસાદી માર ન પડે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.