રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ દેશ-વિદેશમાં જાણીતા એવા ઉદ્યોગપતિના દિકરાના લગ્ન રાજસ્થાનના જોધપુર ખાતે આવેલા ઉમેદ ભવન પેલેસ ખાતે યોજાવા જઇ રહ્યા છે. પુત્રના લગ્ન શાહી ઢબે યોજાવા જઈ રહ્યા છે, ત્યારે લગ્નની આમંત્રણ પત્રિકા પણ રજવાડી સ્ટાઇલથી બનાવવામાં આવી છે. ઉકાણી પરિવાર દ્વારા 7 હજાર રૂપિયાની લગ્ન પત્રિકા તૈયાર કરાવવામાં આવી છે. જેમાં રજવાડી પટારા સહિત શ્રીનાથજી ભગવાનના દર્શન થાય છે.
સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ દેશ-વિદેશમાં જાણીતા એવા ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીના દિકરા જય ઉકાણીના લગ્ન મોરબીના જાણીતા ઉદ્યોગપતિ અરવિંદ પટેલની દીકરી હેમાંશી સાથે આગામી તા. 14,15,16 નવેમ્બરના રોજ રાજસ્થાનના જોધપુર ખાતે આવેલા ઉમેદ ભવન પેલેસ ખાતે યોજાવા જઇ રહ્યા છે, ત્યારે ઉકાણી પરિવાર દ્વારા લગ્ન પત્રિકા તૈયાર કરાવવામાં આવી છે. પુત્રના લગ્ન શાહી ઢબે યોજાવા જઈ રહ્યા છે, ત્યારે લગ્નની આમંત્રણ પત્રિકા પણ રજવાડી સ્ટાઇલથી બનાવવામાં આવી છે. ઉકાણી પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવેલ કંકોત્રીનું વજન 4 કિલો અને 280 ગ્રામ છે. એક કંકોત્રી બનાવવા પાછળ 7 હજાર રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. કંકોત્રીમાં 7 પાનામાં 3 દિવસના લગ્નના કાર્યક્રમોની વણઝાર દર્શાવવામાં આવી છે. તેમજ આમંત્રિતો માટે કંકોત્રીની સાથોસાથ કાજુ, બદામ, કિસમિસ અને ચોકલેટ પણ રાખવામાં આવી છે. કંકોત્રી ખોલનારને સૌપ્રથમ રજવાડી પટારા પર શ્રીનાથજીના દર્શન થાય છે. ઉલ્લેખનીય છે કે, ઉકાણી પરિવાર દ્વારકાધીશ શ્રીકૃષ્ણમાં ખૂબ જ આસ્થા ધરાવે છે, સાથે જ તેઓ જગત મંદિર દ્વારકાના ટ્રસ્ટી પણ છે, ત્યારે સ્વભાવિક છે કે, દીકરાના માંગલિક પ્રસંગમાં પણ ઉકાણી પરિવાર દ્વારા ઠાકોરજીને પડે પડે યાદ કરવામાં આવી રહ્યા છે. લગ્નનું આયોજન જોધપુર ખાતે આવેલ ઉમેદ ભવન પેલેસમાં કરવામાં આવ્યું છે, ત્યારે લગ્નમાં મુખ્ય ભોજન સમારંભમાં મહેમાનોને જે થાળી પીરસવામાં આવશે તેની કિંમત 18 હજાર રૂપિયા છે. ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીના પુત્ર જયના લગ્ન પ્રસંગ અર્થે 3 દિવસ દરમ્યાન અનેક કાર્યક્રમો યોજાવાના છે. જેમાં એક દિવસ એશ્વર્યા મજમુદાર તેમજ સચિન-જીગરની સંગીત નાઈટ પણ આયોજીત કરવામાં આવી છે.