/connect-gujarat/media/post_banners/10744fa6578f6f55f42134d9844d5bc93816adeef02861f424cc6b0405253d79.jpg)
રાજકોટ જિલ્લામાં ગતરોજ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે તમામ નદી-નાળાં પાણીથી છલકાયાં હતા. લોધિકા તાલુકાના રાવકી ગામ નજીકથી પસાર થતી નદીમાં એક કાર તણાઈ જતાં લોકોમાં અફરાતફરી મચી હતી, ત્યારે કારમાં સવાર 2 મહિલાને સ્થાનિક લોકોએ રેસક્યું કરી બચાવી લીધી હતી, જ્યારે કારચાલકનો સીટ બેલ્ટ ન ખુલતા તેનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે લોધિકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, લોધિકા તાલુકાના રાવકી ગામ નજીકથી પસાર થતી નદીમાં એક કાર એકાએક પાણીમાં ખાબકી હતી, ત્યારે કારમાં 2 મહિલા સહિત કારનો ચાલક સવાર હતો. બનાવની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, ત્યારે કારમાં સવાર લોકોને બચાવવા સ્થાનિક યુવાનો મોતને મૂઠીમાં લઇને કૂદ્યા હતા. જેમાં ગ્રામજનોએ દોરડા વડે દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન કર્યું હતું. કારમાં સવાર 2 મહિલાને બચાવી લેવામાં આવી હતી. પરંતુ સીટબેલ્ટ ન ખૂલતાં કારચાલકનું કારની અંદર જ મોત થયું હતું, ત્યારે પોલીસ દ્વારા કારચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
અત્રે નોંધનીય છે કે, છેલ્લા 6 મહિનાથી નદી પરના પુલનું કામ ચાલી રહ્યું છે. ઉપરાંત ડાયવર્ઝન માટે પણ કોઇ ચેતવણીના બોર્ડ મુકવામાં આવ્યા નથી. જેથી કાર ત્યાંથી પસાર થતાં માર્ગ માલૂમ ન પડતાં ઘટના સર્જાય હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.