સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના વડીયાવીરથી કડિયાદરા જતાં કોઝ-વે રોડ પર નદીના પાણીમાં કાર તણાઇ જતાં સ્થાનિકો અને તરવૈયાઓએ 2 લોકોનું રેસક્યું કર્યું હતું.
સમગ્ર રાજ્ય સહિત સાબરકાંઠા જિલ્લામાં સારા વરસાદના પગલે નદીમાં નવા નીર આવ્યા છે, ત્યારે કડિયાદરા નજીક કાર નદીના પાણીમાં તણાઈ જવાની ઘટના સર્જાય હતી. મળતી માહિતી અનુસાર, ઈડર તાલુકાના વડીયાવીરથી કડિયાદરા જતાં કોઝ-વે રોડ પર કાર તણાઇ જવાની દુર્ઘટના સામે આવી છે. કોઝ-વે પરથી પસાર થતાં સમયે એક કાર પાણીમાં તણાઈ હતી. પાણીમાં તણાઈ જતાં કારમાં સવાર પરિવાર સલામત રીતે કારના બોનેટ પર બેસી જઈ પોતાના બચાવ કાર્યની રાહ જોઈ રહ્યો હતો. બનાવની જાણ થતાં જ હિંમતનગર ફાયર વિભાગના અધિકારી સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે, ઘટના સ્થળે હાજર સ્થાનિકો અને તરવૈયાઓએ કાર સાથે પાણીમાં ફસાયેલા એક મહિલા સહિત એક યુવકનું સફળતા પૂર્વક રેસક્યું કરી સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. પાણીમાં ફસાયેલા મહિલા અને યુવકનો આબાદ બચાવ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.