સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરની મધ્યમાંથી પસાર થતી કેનાલમાં અતિશય ગંદકીના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે, ત્યારે સિંચાઇ વિભાગ દ્વારા વહેલી તકે કેનાલની સફાઈ કરવામાં આવે તેવી સ્થાનીકોએ માંગ કરી છે.
સાબરકાંઠાના હિંમતનગર શહેરની મધ્યમાંથી પસાર થતી કેનાલને દૂરથી જોઈએ તો રમણીય લાગે છે. પરંતુ કેનાલની આજુબાજુ નજર કરીએ તો ખદબદતી ગંદકી જોવા મળે છે. પાલિકા અને સિંચાઈ વિભાગના સંકલન બાદ કરોડોના ખર્ચે આ કેનાલ બનાવવામાં આવી હતી. પરંતુ હાલની દશા જોઈને તો ચારે બાજુ ગંદકી અને કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. જોકે, હાલ માવઠાની અસરને લઇને કેનાલની સફાઈ કરાઇ નથી. પાલિકા દ્વારા એમઓયું કરીને સિંચાઇ દ્વારા સફાઇ કરવી જોઈએ તેવું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું. કેનાલની આજુબાજુ રહેણાક અને દુકાનો પણ આવેલી છે. કેનાલમાં એટલી હદે ગંદકી છે, જેથી રોગચાળો ફાટી નીકળે તો નવાઈ નહીં. શહેરના મધ્યમાં આવેલી કેનલ લોકોને ફરવા માટેનું માત્ર સ્થળ છે. તો બીજી તરફ, મહાવીરનગરથી લઇને મોતીપુરા નજીક કેનાલમાં જોઈએ માત્ર ગંદકી જોવા મળી રહી છે, જ્યારે કેનાલની ગંદકી સાફ કરવાનો કોઈને પાસે સમય નથી તેવું લાગી રહ્યું છે. સફાઈ આવે ત્યારે એક બીજાના માટે ખો આપી રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે. અહી ગંદકીના કારણે રોગચાળો ફેલાય તેવી સ્થાનીકોમાં દહેશત છે, ત્યારે સિંચાઇ વિભાગ દ્વારા વહેલી તકે કેનાલની સફાઈ કરવામાં આવે તેવી સ્થાનીકોએ માંગ કરી છે.