હિંમતનગર માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં આવ્યું હતું માવઠું
માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં રહેલ મગફળીનો પાક ભીંજાયો
માર્કેટ યાર્ડમાં મોટો શેડ બનાવી આપવા ખેડૂતોની માંગ
સરેરાશ ભાવ કરતા મગફળીના પાકનો ઓછો ભાવ મળ્યો
પાકનો ઓછો ભાવ મળતા અનેક ખેડૂતો ચિંતિત બન્યા
સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં માવઠું આવતા યાર્ડમાં ખુલ્લી જગ્યામાં રહેલ મગફળીનો પાક ભીંજાતા સરેરાશ ભાવ કરતા ઓછો ભાવ મળતા ખેડૂતો ચિંતિત બન્યા હતા.
સાબરકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે વરસાદી માવઠું થવાના કારણે ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. હિંમતનગર તાલુકાના ગ્રામ્ય પંથકના ખેડૂતો પોતાના ખેતરમાં વાવણી કરેલા મગફળીના પાકની લલણી કરી વેચાણ અર્થે હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે લાવ્યા હતા. પરંતુ વરસાદના કારણે ખુલ્લામાં રહેલો મગફળીનો પાક પલળી ગયો હતો. અચાનક વરસાદ વરસતા ખેડૂતો પોતાના પાકને સુરક્ષિત કરવા માટે તાડપત્રી ઢાંકવા દોડી આવ્યા હતા. જોકે, કેટલાક ખેડૂતો ઘરેથી જ તાડપત્રી ઢાંકીને મગફળીનો પાક વેચવા માટે આવ્યા હતા. એટલું જ નહીં, માર્કેટિંગ યાર્ડમાં 2 શેડ આવેલા છે, તે બન્ને શેડમાં જગ્યા ન હોવાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.