પ્રાંતિજમાં ઉડતી ધૂળની ડામરીઓથી પરેશાની
સ્થાનિક રહીશો ત્રાહીમામ પુકારી ઉઠ્યા
ઓવરબ્રિજની કામગીરીને પગલે પરેશાની
સ્થાનિક રહીશોના સ્વાસ્થ્ય ઉપર અસર
સ્થાનિકોએ પોલીસ મથકમાં કરી રજૂઆત
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે બની રહેલા ઓવરબ્રિજના કામને લઈને રોડની બંને બાજુએ આવેલ સોસાયટીના રહીશો ડસ્ટ ઉડવાને લઈ ને તોબા-તોબા પોકારી ઉઠયા છે. અને વારંવારની રજૂઆત બાદ પણ આ સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે ઉપર છેલ્લા ચાર વર્ષથી સિક્સ લાઇન રોડનું કામ ચાલી રહ્યું છે. અને ઓવરબ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે.તો અહીંથી રાત્ર-દિવસ વાહનો દોડતા હોય ધુળની ડમરીઓ ઉડે છે અને જેના કારણે રોડની બંને બાજુએ આવેલી સોસાયટીઓ તથા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અને મકાનના બારી બારણા રાત-દિવસ બંધ રાખવા પડી રહ્યા છે.
આ કામગીરીને પગલે ધુળની ડમરીઓ ઉડવાના કારણે રહીશોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય આ વિસ્તારના રહીશો શરદી,ઉધરસ સહિત નાની મોટી બીમારીઓમાં સપડાય રહ્યા છે. જ્યારે ધૂળની ઉડતી ડમરીઓના કારણે ખેડૂતોને પણ ખેતીના પાકને નુકસાનનો ડર સતાવી રહ્યો છે.
આ વિસ્તારમાં આવેલ સોસાયટીના રહીશોએ અનેકવાર રજૂઆતો કરવા છતાં પરિસ્થિતિમાં કોઈ જ સુધારો આવ્યો નથી,તેથી સ્થાનિક રહીશોએ મોટી સંખ્યામાં ભેગા થઈને પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે દોડી જઇ રજૂઆત કરી હતી.અને પોલીસે રોડ કોન્ટ્રાક્ટર સાથે ચર્ચા કરીને ફરિયાદનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.