રક્ષાબંધન પર્વની આજે ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરાય
“એક રાખી ફોજી કે નામ” અંતર્ગત કાર્યક્રમ યોજાયો
મહિલા કોર્પોરેટર દ્વારા સતત 9માં વર્ષે ભવ્ય ઉજવણી
લશ્કરના જવાનોના હાથે બહેનો દ્વારા રાખડી બંધાય
5 હજાર જેટલી રાખડીઓ જવાનોને મોકલવામાં આવી
જામનગરના મહિલા કોર્પોરેટર દ્વારા સતત 9માં વર્ષે “એક રાખી ફોજી કે નામ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં લશ્કરના જવાનોને બહેનોએ રાખડી બાંધી હતી, અને 5 હજાર જેટલી રાખડીઓ સરહદ પર તૈનાત જવાનોને મોકલવામાં આવી હતી.
રક્ષાબંધન એટલે ભાઈ-બહેનોના પવિત્ર તહેવારનો પ્રસંગ, ભારતીય સેનાના જવાનો તેમના માદરે વતનથી હજારો કિલોમીટર દૂર દેશની રક્ષા કાજે ફરજ બજાવતા હોય છે, ત્યારે આ જવાનોના કાંડા પર પણ રાખડી બંધાય તેવા શુભ હેતુસર જામનગરના ભારતીય જનતા પાર્ટીના સિનિયર મહિલા કોર્પોરેટર ડિમ્પલ રાવલ દ્વારા શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ, મહિલા સંસ્થાઓ અને વ્યક્તિગત રીતે રાખડી એકઠી કરવાનું આહવાન આપવામાં આવ્યુ હતું.
આ પહેલને સફળતા સાંપડી હતી. જેમાં 5 હજારથી પણ વધુ રાખડીઓ અને શુભેચ્છા સંદેશાઓ એકત્ર કરવામાં આવ્યા હતા. જામનગર સ્થિત આર્મી કેન્દ્રમાં કોર્પોરેટર ડિમ્પલ રાવલ અને ભારત-તિબ્બત સંઘના મહિલા સદસ્યોએ સેકન્ડ ઈન કમાન્ડિંગ મેજર જેરીફા, મેજર સૂરજ તેમજ સુબેદાર મેજર કે. નિલમરાવ અને માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા સહિતના જવાનોને રાખડી બાંધી હતી.
બહેનો દ્વારા લશ્કરના જવાનોને રાખડી બાંધવામાં આવતા આર્મી સેન્ટરમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. આ પ્રસંગે મહિલા કોર્પોરેટર ડિમ્પલ રાવલનું સેકન્ડ કમાન્ડિંગ ઓફિસર મેજર જેરીફા દ્વારા વિશિષ્ટ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.