અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં અને વરસાદી ટ્રફ લાઈન પસાર થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ બનાસકાંઠાની સૂકીભઠ્ઠ રેલ નદીમાં નવાં નીર આવ્યાં છે.
આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 30 મેથી લઈને આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
પાલનપુરના ઢુંઢીયાવાડી વિસ્તારના ઓડવાસમાં રહેણાંક મકાનોની સામે આવેલી પ્રોટેક્શન દીવાલ ધરાશાયી થતાં બાઈક, પાણીની ટાંકી અને મકાનના દરવાજાને નુકસાન પહોંચ્યું છે. જોકે, સદનસીબે જાનહાનિ ટળી છે.
બનાસકાંઠામાં અને ઉપરવાસમાં ભારે કમોસમી વરસાદને લઇને રેલ નદીમાં નવા નીર આવ્યા છે. આલવાડા, ઋણી અને રાજોડા સુધી રેલ નદીના નીર પહોંચતાં ધાનેરાના ગ્રામીણ વિસ્તારના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં પડેલા ધોધમાર વરસાદમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.બેચરાજી-શંખલપુર અંડરબ્રિજમાં પાણી ભરાતા સ્થાનિક લોકો અને વાહન ચાલકોને ભારે હાંલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ઊંઝા શહેર સહિત પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે મધરાતે વરસાદ વરસ્યો હતો, જેને લઇને તમિલનાડુથી માલ ભરીને ઊંઝા આવતી ટ્રક અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા ફસાઇ ગઇ હતી.
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ભાદરોડ ગામે ભારે પવન સાથે વરસેલા વરસાદમાં એક કાચું મકાન ધરાશાયી થયું હતું, જેમાં એક વૃદ્ધ ખેડૂતનું મકાનના કાટમાળમાં દટાઈ જતા મોત નીપજ્યું છે.
ગતરોજ ખાનપુર તાલુકામાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો હતો અને ભારે પવન ફુંકાયો હતો જેમાં અનેક કાચા મકાનોના છાપરા ઉડ્યા હતા, જ્યારે ભાદરોડ ગામે એક કાચું મકાન ધરાશાયી થયું હતું. જેમાં 69 વર્ષીય ખેતી કામ કરતા માલીવાડ નાનાભાઈ ભુરાભાઈ પોતાના ઘરમાં સુતા હતા તે સમયે અચાનક વાવાઝોડા સાથે આવેલા વરસાદમાં મકાન ધરાશાયી થયું હતું.
જેમાં નાનાભાઈ ઉપર આખા મકાનનો કાટમાળ પડતા દટાઈ ગયા હતા. સ્થાનિક લોકોને બનાવ અંગેની જાણ થતા દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
અરવલ્લી જિલ્લામાં મધરાતે કમોસમી વરસાદ પડતાં મોડાસા, માલપુર, મેઘરજ, ભિલોડા અને શામળાજીમાં નુકસાન થયું છે. માલપુરમાં અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થવા સાથે મકાનોના પતરા ઉડ્યા હતા. તો માલપુરના અંબાવા-કોયલીયા રસ્તા પર વૃક્ષ પડતાં રસ્તો બંધ થઇ ગયો હતો. બીજી તરફ વીજ તાર તૂટતા લોકોને આખી રાત અંધારામાં વિતાવી પડી હતી.
નર્મદા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મધરાતે ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં અનેક કાચા મકાનોના પતરા ઉડી ગયા હતા. જ્યારે ખેડૂતોના ખેતરોમાં ઊભા કેળના પાકને પણ મોટું નુકસાન થયું છે.
મહેસાણામાં ગત મોડી રાત્રે બે વાગ્યાના અરસામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. રાત્રે પડેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ત્યારે આજે સવારે વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
વહેલી સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં 14 મિમી, શિનોર તાલુકામાં 8 મિમી અને વાઘોડિયા તાલુકામાં 3 મિમી વરસાદ નોંધાયો હતો. અન્ય તાલુકામાં હળવા ઝાપટાં પડયા હતા.
ગાંધીનગરમાં મધરાતે વાતાવરણમાં પલટાની સાથે વરસાદની પધરામણી થઈ હતી. મધરાતે ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે ગાજ વીજ સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે રાત્રે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જોકે આજે વહેલી સવારે પાણી ઓસરી પણ ગયા હતા.
રાત્રે પડેલા વરસાદના કારણે વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી જવા પામી છે. તો આજે સવારે વાદળછાયું વાતાવરણ યથાવત છે. બીજી તરફ જિલ્લામાં વરસાદના સત્તાવાર આંકડા ઉપર નજર કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં માણસામાં 1.10 ઇંચ, દહેગામ માં 0.79 ઇંચ, કલોલમાં 0.59 ઇંચ અને ગાંધીનગરમાં 0.24 ઇંચ વરસાદ નોંધાયો છે.