-
પૂર્વોત્તર-ગુજરાતની કલા સંસ્કૃતિના સંગમનું સાક્ષી બન્યું સોમનાથ
-
એક ભારત, શ્રેષ્ઠ ભારતની થીમ પર ભવ્ય નૃત્ય મહોત્સવ યોજાયો
-
400 કલાકારોએ મનમોહક વિવિધ રંગારંગ પ્રસ્તુતિઓ રજૂ કરી
-
ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા રૂક્મિણી હરણના તાદ્રશ્યએ લોકોનું મન હર્યું
-
રાજ્યના પ્રવાસન મંત્રી મૂળુ બેરા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ
ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર નજીક ચોપાટી ખાતે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની થીમ આધારિત ભવ્ય નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના પ્રવાસન મંત્રી મૂળુ બેરા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને પ્રવાસન વિભાગની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવના સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું સોમનાથ મંદિર પાસેની ચોપાટી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અરૂણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા અને નાગાલેન્ડ સહિતના પૂર્વોત્તર રાજ્યોના 200 તથા ગુજરાતના 200 મળી 400 જેટલા કલાકારોએ કલાના કામણ થકી પોતાની સાંસ્કૃતિક વિરાસતો અને ધરોહરસભર કલાનૃત્યો રજૂ કર્યા હતા.
સોમનાથ ખાતે આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં પૂર્વોત્તર અને ગુજરાતની કલા-સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો. આ કાર્યક્રમ માધવપુર મેળાની પ્રી-ઈવેન્ટના ભાગરૂપે યોજાયો હતો. એક તરફ સમી સાંજે ક્ષિતિજે દરિયા અને પૃથ્વીનું મિલન થતું હોય એવા માહોલ વચ્ચે નૃત્ય મહોત્સવમાં કલાકારોની ઉર્જાસભર સાંસ્કૃતિક કૃતિઓથી સોમનાથ પૂર્વોત્તર અને ગુજરાતની સંસ્કૃતિના મિલનથી ઝૂમી ઉઠ્યું હતું. આ પ્રસંગે પ્રવાસન મંત્રી મૂળુ બેરાએ જણાવ્યું કે, ગુજરાતમાં 1500થી વધુ મેળાઓનું આયોજન થાય છે. આ મેળાઓ વિવિધ સંસ્કૃતિઓને એકબીજા સાથે જોડવાનું માધ્યમ બની રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે થયેલા વિકાસના કારણે 18.64 કરોડ લોકો ગુજરાતની વિરાસતને માણવા માટે આવે છે.