સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની થઈ ચૂકી છે વિદાય
આ વર્ષે સરેરાશ કરતાં 41 ટકા વધુ વરસાદ વરસ્યો
4 મહિનાના ચોમાસામાં રાજ્યના 139 ડેમ ઓવરફ્લો
4 ઝોનના 18 ડેમમાં 97.71% પાણીના જથ્થાનો સંગ્રહ
સિંચાઈ અને પીવા માટે પૂરતું પાણી ઉપલબ્ધ બન્યું
ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, ત્યારે આ વર્ષે રાજ્યમાં સરેરાશ કરતાં 41 ટકા વધુ વરસાદ વરસ્યો હતો. 4 મહિનાના ચોમાસામાં રાજ્યના 139 ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે.
આ વર્ષે ચોમાસા વેળા ગુજરાત રાજ્યના કુલ 207 ડેમમાંથી 139 ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે, જ્યારે 46 ડેમ એવા છે કે, જેમાં 70 ટકાથી 100 ટકા, 13 ડેમમાં 50 ટકાથી 70 ટકા જળસંગ્રહ થયો છે, જ્યારે 4 ડેમમાં 25 ટકાથી 50 ટકા અને 4 ડેમ એવા છે કે, જેમાં 25 ટકા કરતાં પણ ઓછો જળસંગ્રહ થયો છે. ચારેય ઝોનના મહત્વના ગણાતા નર્મદા સહિતના જે 18 ડેમ છે, તેમાં 97.71 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થઈ ચૂક્યો છે, જ્યારે રાજ્યના તમામ ડેમોમાં પણ 96.99 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. જોકે, રાજ્યમાં આ વર્ષે સૌથી ઓછો જળસંગ્રહ થયો હોય તો તે બનાસકાંઠાના સિપુ અને દાંતીવાડા ડેમ છે. ઉપરવાસમાંથી પાણીની ઓછી આવક થતાં સિપુ ડેમ ફક્ત 11.45 ટકા ભરાયો છે, જ્યારે દાંતીવાડા ડેમ 52.89 ટકા જ ભરાયો છે. આ વિસ્તારમાં નર્મદાનું પાણી કેનાલથી પહોંચતું હોય પીવાના પાણીની તો તકલીફ નહીં પડે પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહીં મળે અથવા ઓછું મળશે. રાજ્યમાં ચાલુ વર્ષે સારા વરસાદના કારણે 99.18 ટકા વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે. પરંતુ, સરેરાશ કરતાં 41 ટકા વધુ વરસાદના કારણે અનેક જિલ્લામાં ખરીફ પાકને નુકશાની થઈ છે. જોકે, પાણીની ઉપસ્થિતિના કારણે ખેડૂતોને રવિ પાકની સિઝનમાં ફાયદો થવાની શક્યતાઓ છે. રાજ્યના તમામ ઝોનમાં સરેરાશ કરતાં 41 ટકા વધુ વરસાદ અને મુખ્ય જળાશયોમાં પણ નોંધપાત્ર પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાના કારણે સિંચાઈ અને પીવા માટે પૂરતું પાણી ઉપલબ્ધ બન્યું છે.