સુરતમાં દિવસે અને દિવસે લુખ્ખા તત્વો બેફામ બની રહયાં હોવાથી ગુનાખોરીનો ગ્રાફ ઉંચો જઇ રહયો છે. સુરત શહેરમાં આવેલી સોસાયટીઓમાં લુખ્ખાઓના ટોળાઓ ઘુસી તોડફોડ અને મારામારી કરતાં હોવાથી લોકોમાં ભય ફેલાયો છે. આવી જ ઘટના ઉધનાના વાજબી આવાસમાં બની છે.
સુરત ઉધના વિસ્તારમાં આવેલાં વાજબી આવાસમાં લુખ્ખા તત્વોએ વાહનોમાં તોડફોડ કરી છે અને તેમનું આ કારસ્તાન સીસીટીવીમાં કેદ થઇ ગયું છે. સીસીટીવીમાં ત્રણ બાઇક પર નવ જેટલા અસામાજીક તત્વો આવે છે અને તેમના હાથમાં તલવાર અને લાકડાના સપાટા હોય છે. તેઓ વાજબી આવાસમાં ઘુસી વાહનોમાં તોડફોડ શરૂ કરી દે છે. અસામાજિક તત્વોના આતંકથી સોસાયટીના લોકો ભયભીત થઈ ગયા છે વાજપેયી આવાસમાં રહેતા કાજલ બહેને જણાવ્યું હતું કે બાઈક પર આશરે ૧૦થી ૧૫ લોકો આવ્યા હતાં. લાકડા અને તલવાર વડે અમારી સોસાયટીમાં પાર્ક કરેલા 15 જેટલા વાહનોમાં તોડફોડ કરી હતી. એ લોકોના હાથમાં લાકડાના ફટકા અને તલવાર હતી જેથી અમે લોકો ઘરની બહાર નીકળી શકયાં ન હતાં. બીજી તરફ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.