સુરેન્દ્રનગર ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ એકમની 2 દિવસીય કારોબારી બેઠકનો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રદેશ કારોબારીમાં લોકસભાની ચૂંટણી તેમજ ભાજપ સંગઠનને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી 2 દિવસ માટે ભાજપ પક્ષ દ્વારા પ્રથમ વખત પ્રદેશ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ પ્રદેશ કારોબારીની બેઠકમાં 650થી વધુ નેતાઓ મંત્રીઓ આજથી સુરેન્દ્રનગરની મુલાકાતે આવ્યા છે. સુરેન્દ્રનગરની પ્રેસિડેન્ટ હોટલ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ પ્રદેશ નેતા રત્નાકરજીની અધ્યક્ષતામાં રાજ્યના તમામ ધારાસભ્યો સાથે બેઠક યોજાય હતી. ખાસ કરીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ પ્રદેશ કારોબારી માટે સુરેન્દ્રનગરની મુલાકાતે આવવાના છે, ત્યારે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ કારોબારી બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ 2 દિવસીય બેઠકમાં ખાસ ઉપસ્થિતિમાં રાજ્યના તમામ મંત્રીઓ, ધારાસભ્યો, સંગઠન તેમજ સમગ્ર ગુજરાત રાજ્યમાંથી ભાજપના દિગ્ગજ નેતાઓ પણ સુરેન્દ્રનગર ખાતે વહેલી સવારથી પધારી ચૂક્યા છે. આગામી વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીનો પાયો સુરેન્દ્રનગર ખાતેથી ભાજપ નાખતું હોય તેવું સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યું છે, ત્યારે આજરોજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં આયોજિત કારોબારી બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. એટલું જ નહીં, આગામી લોકસભાની ચૂંટણી તેમજ ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવા સાથે સંગઠનમાં ફેરફાર સહિતની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી.