Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : જન્મભૂમિ ચોટીલામાં રૂ. 5 કરોડના ખર્ચે નિર્માણ પામશે "મેઘાણી મ્યુઝિયમ", વાંચો વધુ...

સુરેન્દ્રનગર : જન્મભૂમિ ચોટીલામાં રૂ. 5 કરોડના ખર્ચે નિર્માણ પામશે મેઘાણી મ્યુઝિયમ, વાંચો વધુ...
X

ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી ઉજવણી નિમિત્તે તેમની સાથે સંકળાયેલી સ્મૃતિઓને મહત્વના સ્થળ તરીકે વિકસાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે દુનિયાભરના સાહિત્યરસિકો, સંશોધકો અને આગામી પેઢીઓને ઉપયોગી બની રહે તેવો એક સર્કિટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પણ હાથ ધરાયો છે.

હાલમાં જ રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, આગામી બજેટમાં ચોટીલામાં જન્મ સ્મારક અને મેઘાણી સ્મૃતિ સ્થાનોને જોડતી સર્કિટ બનાવીને મેઘાણી પ્રેમીઓને સવાસો વર્ષે અંજલિરૂપે મોટી ભેટ આપવામાં આવી છે. જે અંતર્ગત મેઘાણી સાથે સંકળાયેલા તમામ સ્થળોને વિકસાવવામાં આવશે તેમજ તેમની યાદમાં મ્યુઝિયમ પણ બનાવાશે.

આ માટે હાલ રૂ. 10 કરોડની ફાળવણી કરાઇ છે, જેમાંથી રૂ. 5 કરોડ મ્યુઝિયમ પાછળ ખર્ચ કરવામાં આવશે. પ્રવાસન અને રમતગમત યુવા સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા એનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. મેઘાણીની જન્મભૂમિ ચોટીલામાં મ્યુઝિયમ બનાવવા માટે વિવિધ એકથી વધુ વિભાગ સક્રિય છે. આ યોજનાના અમલીકરણ માટે એક ઉચ્ચસ્તરીય સમિતી પણ બનાવવામાં આવી છે, જેમાં ઉચ્ચ અધિકારીઓની સાથે સાહિત્યકારો અને ઝવેરચંદ મેઘાણીન‍ા પૌત્રનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

મેઘાણીની સ્મૃતિમાં વિકસાવવામાં આવનારા સ્થળોમાં મેઘાણીનો જન્મ થયો એ ઐતિહાસિક મકાન, તેની નજીક આવેલા જૂના સરકારી ક્વાર્ટર્સ સહિત કુલ 2200 ચોરસ મીટર જમીનનું હસ્તાંતરણ કરાયું છે. અહીં એક અલગ સ્મારક સંકુલ બનાવવાની યોજના છે, જેના માટે વર્ક ઓર્ડર પણ અપાઇ ગયા છે. આ સંકુલમાં મેઘાણીની જીવનને નિરૂપતા અદ્યતન દ્રશ્ય શ્રાવ્ય મલ્ટીમિડીયા પ્રદર્શન હોલ, ડ્રામા ફિલ્મ બતાવી શકાય એવી સાઉન્ડ લાઇટ ઇફેક્ટ, પુસ્તકાલય, મુલાકાતીઓ માટે વાંચન અને પ્રતિક્ષા હોલ સામેલ કરાશે. પાંચાળ વિસ્તાર સંતો-સૂરાની ભૂમિ છે. તેથી અહીં સ્થાનિક લોક સંસ્કૃતિ અને લોક જીવનને આલેખતું અલગ પ્રદર્શન પણ કરવામાં આવશે. આ ઉપરાંત ચોટીલામાં નવી પેઢીને સાંસ્કૃતિક વારસા સાથે સાંકળવાના નિયમિત આયોજન થાય છે, જેના માટે એક હોલ પણ બનાવાશે તેવું રાજ્ય સરકારનું આયોજન છે.

Next Story