સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જાનો મામલો
માથાભારે તત્વો દ્વારા જમીન પર કબ્જાનો આક્ષેપ
MLA જીજ્ઞેશ મેવાણીએ તંત્ર પર કર્યા ગંભીર આક્ષેપ
જમીન મુક્તિ માટે પ્રાંત અધિકારીને કરી રજૂઆત
જીજ્ઞેશ મેવાણીએ ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી
સુરેન્દ્રનગર જિલ્લામાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલ જમીનો પર માથાભારે તત્વો દ્વારા કબ્જો જમાવવામાં આવ્યો હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી,જેના કારણે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા પ્રાંત અધિકારીની કચેરીનો ઘેરાવ કર્યો હતો,અને સાથણીની જમીનો પર ગુંડાઓએ કબ્જો કર્યો હોવાના આક્ષેપ પણ તેઓએ કર્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સહિતના વિસ્તારમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલ સાથણીની જમીનો પર માથાભારે તત્વો દ્વારા કબ્જો જમાવવામાં આવ્યો હોવાની પંથકમાં ફરિયાદો ઉઠવા પામી હતી.જે ફરિયાદોને આધારે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા આજરોજ પ્રાંત અધિકારીની કચેરીનો ઘેરાવો કર્યો હતો.અને સરકારી તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા હતા.જેમાં જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે સરકારી જમીન પડતર જમીનમાંથી ફાળવવામાં આવેલ ટોચ મર્યાદાની જમીનોની માપણી પણ કરવામાં આવી નથી.અને સ્થળ પર વાસ્તવિક કબજો પણ સોંપવામાં આવ્યો નહોવાના આક્ષેપ તેઓએ કર્યા હતા.
વધુમાં આવારા તત્વો અને માથાભારે ઈસમોએ જમીનો પર કબજો જમાવી લીધો હોવાનો મેવાણીએ આક્ષેપ કર્યો હતો.અને જમીન પર કરવામાં આવેલો કબજો તાત્કાલિક દૂર કરવા અંગે પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી.અને જો વહેલી તકે જમીનો ખાલી કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ તેઓએ ઉચ્ચારી હતી.વધુમાં સાથણીની જમીનો ખાલી નહિ થાય તો 11 અને 12 ઓગસ્ટથી આણંદપુરથી કલેક્ટર કચેરી સુધી પદ યાત્રાની તૈયારી પણ તેઓએ દર્શાવી હતી.તેમજ 15 ઓગસ્ટના કાર્યક્રમના દિવસે પણ હાથમાં ઝંડો આપી સાથણીની જમીન ખાલી કરાવવા કલેક્ટર સમક્ષ માંગ કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.