Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : એક, બે નહીં પણ 7 ખેતરોમાં અફીણનું વાવેતર જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી..!

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ખાટડી અને ડાકવડલા ગામની સીમના 7 જેટલા ખેતરોમાંથી અફીણનું વાવેતર ઝડપાયું છે.

X

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ખાટડી અને ડાકવડલા ગામની સીમના 7 જેટલા ખેતરોમાંથી અફીણનું વાવેતર ઝડપાયું છે. પોલીસે અફીણના લીલા છોડ સહીત રૂપિયા 73 લાખથી વધુના મુદ્દામાલ સાથે 6 શખ્સોની ધરપકડ કરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર માદક દ્રવ્યો પકડાતા હોય છે અને તેમાં પણ ખાસ કરીને અફીણ, ગાંજો અને પોષ ડોડવાના બંધાણીઓ ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળતા હોય છે. છાના ખુણે આવા માદક દ્રવ્યો વેચાતા હોવાની ફરીયાદો ઉઠતી હોય છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં અફીણ અને ગાંજા સહીતનું વેચાણ વધી રહ્યું છે, ત્યારે ચોટીલાના ખાટડી અને ડાકવડલા ગામની સીમમાં અમુક શખ્સો દ્વારા અફીણનું વાવેતર કરવામાં આવ્યુ હોવાની પોલીસને બાતમી મળી હતી. SOG પોલીસે સ્થળ પર દરોડો કર્યો હતો, જેમાં એક, બે નહીં પરંતુ કુલ 7 જેટલા ખેતરોમાં અફીણનું વાવેતર ઝડપાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અફીણનું વાવેતર એટલી મોટી માત્રમાં હતું કે, પોલીસને અફીણના છોડની ગણતરી કરવામાં સતત 4 દિવસ લાગ્યા હતા.

જેમાં કુલ 77,575 જેટલા લીલા અફીણના છોડ સહીત કુલ રૂપિયા 73.23 લાખના મુદ્દામાલ સાથે 6 ખેતર માલિકોને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે એક ખેતર માલિક પોલીસ પકડથી દૂર રહ્યો હતો. પોલીસે ઝડપાયેલા આરોપીની પુછપરછ કરતાં તેઓએ અગાઉ પણ થોડું વાવેતર કર્યું હતું, જેમાં સફળતા મળ્યા બાદ આટલી મોટી માત્રામાં વાવેતર કર્યું હોવાની વિગતો બહાર આવી છે.

Next Story