Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : લીંબડીના રાજમહેલમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ. 24 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સોની ધરપકડ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલા રાજમહેલમાંથી 56 કિલો ચાંદી તેમજ એન્ટિક વસ્તુઓની થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે.

X

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલા રાજમહેલમાંથી 56 કિલો ચાંદી તેમજ એન્ટિક વસ્તુઓની થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. જેમાં LCB પોલીસે ધ્રાંગધ્રાના 6 શખ્સોને કુલ રૂપિયા 24 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

લીંબડી ખાતે આવેલ રાજવી પરિવારના રાજમહેલમાંથી અંદાજે 56 કિલો ચાંદી તેમજ અન્ય એન્ટિક વસ્તુઓની ચોરી થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી, ત્યારે રાજવી પરિવાર દ્વારા ચોરી અંગેની ફરિયાદ નોંધાવતા સુરેન્દ્રનગર જિલ્લા LCB પોલીસની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. LCB પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ધ્રાંગધ્રા હળવદ હાઇવે પર રહેતા 6 શખ્સો આ ચોરીમાં સંડોવાયેલા છે, અને તેમની પાસે ચોરી કરેલો કિંમતી સામાન પણ છે. જે બાતમીના આધારે LCB પોલીસે કાટીયો વિરમગામીયા, કમલેશ વિરમગામીયા, કાયો કુંઢીયા, દિલીપ કુંઢીયા, સંજય ધ્રાંગધરીયા અને સુરેશ કુંઢીયા નામના 6 શખ્સોને દબોચી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 29 કિલો ચાંદી, રૂપિયા 6.45 લાખથી વધુની રોકડ રકમ તેમજ ચોરી કરેલ ચાંદીના તારવાળા રજવાડી કાપડ અને ઘડીયાળો સહીત કુલ 24,08,390 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસ તપાસમાં આ તસ્કર ટોળકીએ ફેબ્રુઆરી માસ દરમિયાન અલગ અલગ 8 દિવસોમાં 8 વાર મહેલમાં પ્રવેશ કરી લોખંડના કટર વડે મહેલની બારીની ગ્રીલ કાપી અંદર પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી. ઉપરાંત મહેલમાંથી ચોરી કરેલી વસ્તુઓ પૈકી 15 કિલો ચાંદીની વસ્તુઓ અમદાવાદના અરૂણ વિરમગામીયાને વેચી હતી, જ્યારે અન્ય એન્ટિક વસ્તુઓ હોય તેનાં વધારે રૂપિયા મેળવવા તસ્કર ગેંગના મુખ્ય સુત્રધાર કાટીયો વિરમગામીયા તથા અમદાવાદનો અરૂણ વિરમગામીયા પ્લેનમાં દિલ્હી અને મુંબઇ સુધી જઇ આવ્યા હોવાનું પણ પોલીસ સમક્ષ જણાવ્યુ હતું. જોકે, આ તસ્કર ટોળકીની પૂછપરછમાં અન્ય વધુ ગુનાઓના ભેદ પણ ઉકેલાય તેવી પોલીસને આશા છે.

Next Story