સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવીરા ગામમાં લગ્નપ્રસંગે બંદૂક વડે હવામાં ફાયરિંગ કરનાર પિતા-પુત્રની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ચોરવીરા ગામમાં લગ્નપ્રસંગમાં જાહેરમાં ફાયરીંગ કરીને શોબાજી કરવી 2 શખ્સોને ભારે પડી છે. મળતી માહિતી અનુસાર, સાયલાના ચોરવીરામાં રહેતા વિશાલ મેરનો લગ્નપ્રસંગમાં હવામાં ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. પોલીસે આ મામલાની ગંભીરતાથી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, લાયસન્સ ધરાવતી ડબલ બેરલ બંદૂક યુવાનના પિતા ટીગા મેરની હતી. જેનો ઉપયોગ તેઓના દીકરા દ્વારા લગ્નપ્રસંગે હવામાં ફાયરિંગ કરીને કરવામાં આવ્યો હતો, ત્યારે હાલ તો વાઇરલ થયેલા વિડિયોના આધારે પોલીસે પિતા અને પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એટલું જ નહીં, બંદૂકનું લાયસન્સ પણ રદ્દ કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.