સુરેન્દ્રનગર : સુકા મલકનું કલંક ભુસી શહેરને "સુંદરનગર" બનાવવાની નેમ

સુરેન્દ્રનગરને સુંદરનગર બનાવવાનો અનોખો પ્રયાસ, મહિલા તબીબ અને પ્રકૃતિપ્રેમીઓએ વ્રુક્ષ દત્તક લીધા.

New Update
સુરેન્દ્રનગર : સુકા મલકનું કલંક ભુસી શહેરને "સુંદરનગર" બનાવવાની નેમ

સુરેન્દ્રનગર શહેરને હરીયાળુ બનાવવા શહેરના એક મહિલા તબીબ અને તેમની ટીમે અનોખુ અભિયાન હાથ ધર્યું છે. જેમાં રાજકોટની સેવાભાવી સંસ્થાના સહયોગથી શહેરમાં 1500થી વધુ વ્રુક્ષો લોકોએ દત્તક લઈ તેનો ઉછેર શરૂ કર્યો છે, ત્યારે આ અભિયાનમાં પ્રકૃતિપ્રેમીઓ વધુને વધુ જોડાય તે માટે સંસ્થા દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે.

કોરોના કાળ દરમ્યાન લોકોને ઓક્સિજન, વૃક્ષ અને હરિયાળીનું મહત્વ પણ સવિશેષ સમજાયું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આમ પણ વ્રુક્ષોનું પ્રમાણ ખૂબ જ ઓછુ છે. જોકે, છેલ્લે થયેલી વ્રુક્ષની ગણતરી મુજબ જિલ્લામાં એક હેક્ટર દીઠ માંડ ૩થી ૪ વ્રુક્ષો છે. જે રાજ્યમાં સૌથી ઓછુ વૃક્ષોનું પ્રમાણ માનવમાં આવે છે, ત્યારે સુકા મલકનું કલંક ભુસી સુરેન્દ્રનગરને ખરા અર્થમાં સુંદરનગર બનાવવાની નેમ સાથે ડો. નિર્મલા ચુડાસમા અને તેમની ટીમ દ્વારા એક અનોખુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના સદભાવના વ્રુધ્ધાશ્રમના સહયોગથી શહેરમાં વધુમાં વધુ વ્રુક્ષોનું વાવેતર અને ઉછેર કરવાના પ્રયાસો હાથ ધરાયા છે.

રાજકોટની સેવાભાવી સંસ્થા સહિત અનેક પરિબળોના સહયોગથી ડો. નિર્મલા ચુડાસમા અને તેમની પ્રકૃતિપ્રેમી ટીમ દ્વારા વૃક્ષનો ઉછેર કરવામાં આવનાર છે. જોકે, સૌથી સારી બાબત એ છે કે, માત્ર વાવેતર જ નહી પરંતુ સતત 3 વર્ષ સુધી તેનું જતન પણ કરવામાં આવશે. એક વ્રુક્ષના વાવેતર અને ઉછેર પાછળ 1800 રૂપિયાનો ખર્ચ થાય છે, ત્યારે શહેરીજનો જો વ્રુક્ષોનું વાવેતર કરવા ઇચ્છતા હોય તો અડધો ખર્ચ સંસ્થા દ્વારા ભોગવવામાં આવે છે. શહેરના રિવરફ્રન્ટ, અમદાવાદ રોડ સહિત વિવિધ વિસ્તારોમાં વ્રુક્ષોનું વાવેતર પણ કરી દેવાયું છે. જે હજુ વધુને વધુ વૃક્ષનું વાવેતર કરવાનું પણ આયોજન ઘડવામાં આવ્યું છે. જોકે, અત્યાર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં 1500થી વધુ વ્રુક્ષોને દત્તક પણ લેવામાં આવ્યા છે, ત્યારે શહેરને હરીયાળુ બનાવવાના અભિયાનમાં અન્ય લોકોને પણ જોડાવા માટે સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી છે.