Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાએ કમાન્ડો અને કાર પરત કરી સાદગીનું ઉદાહરણ પુરૂ પાડ્યું

હું ડોક્ટર અને લોકસેવક છું મારા કોઇ દુશ્મન નથી, તો કમાન્ડોની જરૂર નથી : કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા

સુરેન્દ્રનગર : કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાએ કમાન્ડો અને કાર પરત કરી સાદગીનું ઉદાહરણ પુરૂ પાડ્યું
X

સુરેન્દ્રનગરના લોકસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રીને પોતાની સુરક્ષા માટે મળતા નવ કમાન્ડો અને વધારાની કારની સેવા લેવાનો ઇન્કાર કરી પરત કરી સુરેન્દ્રનગરની જેમ દિલ્હીમાં પણ પોતાની સાદગીનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આ અંગે કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યું કે, હું ડોક્ટર અને લોકસેવક છું મારા કોઇ દુશ્મન નથી તો કમાન્ડોની જરૂર નથી.





સુરેન્દ્રનગર જીલ્લાના સ્પષ્ટ અને સ્વચ્છ છબી ધરાવતા ડો. મહેન્દ્ર મુંજપરાને લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત જ ટીકીટ આપતા લાખો મતે ભાજપમાંથી વિજેતા બન્યા હતા અને એમની સામે ચૂંટણી લડનારા કોંગ્રેસના દિગ્ગજ સોમાભાઇ પટેલની કારમી હાર થઇ હતી. તેઓ લોકસભાના સાંસદ બન્યા હોવા છતાંય સુરેન્દ્રનગર શહેરમાં સ્કૂટર લઇને ફરતા હોય ત્યારે કોઇ પણ વ્યકિત બજારમાં મળી જાય અને ઉભા રાખીને કામ બતાવે તો સ્કૂટરની ડેકીમાંથી ડાયરી કાઢીને લખી લે અને જો ભલામણ કરવાની હોય તો પણ સીધી જ ભલામણ કરતા આવ્યા છે.

આમ જિલ્લાભરના રાજકારણીઓમાં સાંસદની સાદગીવાળી છબી રહેલી છે. એવામાં કેન્દ્રીય મંત્રી મંડળના વિસ્તરણમાં તેઓને મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સમાવેશ કરાતા તેઓને અલગ કાર્યાલય-નિવાસ સ્થાન સહિતની સુવિધાઓ ફાળવવામાં આવી છે. બીજી તરફ સરકારી પ્રોટોકોલ મુજબ તેઓને પોતાની સુરક્ષા માટે નવ કમાન્ડોની ફાળવણી અને સરકારી કારની ફાળવણી કરવાની હતી. પરંતુ તેઓએ પોતાની જાનને કોઇપણ જાતનું જોખમ ન હોવાનું જણાવી કમાન્ડોની સેવા અને એક કારની સેવા લેવાનો ઇન્કાર કરી સુરેન્દ્રનગરની જેમ દિલ્હીમાં પણ પોતાની સાદગીનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતા રાજકીય આગેવાનો અને સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારના લોકોએ આનંદની સાથે ગર્વની લાગણી મહેસૂસ કરી છે.

Next Story