મહત્તમ પહાડી અને ઠંડા પ્રદેશમાં કરવામાં આવતી સ્ટ્રોબેરીની ખેતી હવે ગ્રામીણ વિસ્તારના ખેડૂતો પણ કરી રહ્યા છે. પ્રથમવાર તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ગોરૈયા ગામના ખેડૂત પ્રાકૃતિક રીતે સ્ટ્રોબેરીની ખેતી કરીને સારી એવી આવક મેળવી રહ્યા છે.
તાપી જિલ્લાના વ્યારા તાલુકા ગોરૈયા ગામે રહેતા બિગનેશ ગામીત નામના યુવાન ખેડૂતે સંપૂર્ણ પ્રાકૃતિક રીતે સ્ટ્રોબેરીની સફળ ખેતી કરી છે. ઉલ્લેખનિય છે કે, જિલ્લામાં પ્રથમવાર સ્ટ્રોબેરીની ખેતી કરવામાં આવતા અન્ય ખેડૂતો પણ માર્ગદર્શન માટે આ યુવાન પાસે આવી રહ્યા છે. સ્ટ્રોબેરીની ખેતી થકી યુવાન ખેડૂતે સારી એવી આવક મેળવી છે. આ ખેડૂતે અગાઉ પ્રાથમિક રીતે પોતાના ઘરના વાળાની જગ્યામાં સ્ટ્રોબેરીની ખેતી કરી હતી, ત્યારે તેમાં સફળતા મળતા મહાબળેશ્વરથી સ્ટ્રોબેરીના રોપા મંગાવી પોતાના ખેતરમાં સ્ટ્રોબેરીનો પાક ઊભો કર્યો છે, ત્યારે હવે બિગનેશ ગામીતે જિલ્લાના અન્ય ખેડૂતોને સ્ટ્રોબેરીની ખેતી કરવા નવી રાહ ચીંધી છે.